- ભાજપના કાઉન્સિલરોએ તમામ હદો વટાવી.
નવીદિલ્હી,
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (એમસીડી)ની સ્ટન્ડિંગની કમિટીના છ સભ્યોની ગઇકાલથી શરૂ થયેલી ચૂંટણી આજે પણ પૂર્ણ થઇ શકી ન હતી. ગઇકાલે સાંજથી શરૂ થયેલો હોબાળો આજે પણ યથાવત પણ રહ્યો હતો. એમસીડી હાઉસમાં સમગ્ર રાતે ચાલેલો હોબાળો આજે સવારે ફરી શરૂ થઇ ગયો હતો.સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી માટેના મતદાન દરમિયાન આપના કાઉન્સિલરો દ્વારા પોતાની પાસે મોબાઇલ રાખવા બદલ ભાજપના કાઉન્સિલરોએ વિરોધ નોંધાવ્યો હતો અને હોબાળો શરૂ થઇ ગયો હતો.
ગઇકાલે એમસીડી હાઉસના હોબાળા અંગે વાયરલ થયેલા વીડિયોમાં કાઉન્સિલરો દ્વારા મારામારી અને એકબીજા પર વસ્તુઓ ફેંકવાના દ્રશ્યો જોઇ શકાય છે. ગઇકાલ રાતે કાઉન્સિલરો ઘરે ગયા ન હતાં અને સમગ્ર રાત એમસીડી હાઉસમાં જ પસાર કરી હતી. સવાર થતાં જ ફરીથી હોબાળો શરૂ થઇ ગયો હતો. ગઇકાલ સાંજે ૧૨થી વધુ વખત એમસીડીની કાર્યવાહી સ્થગિત થયા પછી આજે સવારે ૮.૩૦ વાગ્યે ફરીથી એમસીડીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે એક કલાકની અંદર જ મેયરે એમસીડીની કાર્યવાહી આવતીકાલે સવારે ૧૦ વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી.
એમસીડી હાઉસમાં બુધવાર રાતે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના અનેક સભ્યો વચ્ચે મારામારી થઇ હતી અને પ્લાસ્ટિકની બોટલો ફેંકી હતી.આપના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે ભાજપના કાઉન્સિલરોએ બેલેટ પેપરની સંપૂર્ણ બુક ફાડી નાખી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પૂર્ણ કર્યા વગર સત્ર સમાપ્ત થશે નહીં. ભલે પછી સત્ર ગમે તેટલા દિવસ ચાલતું રહે. પત્રકાર પરિષદને સંબોધતા શીલા ઓબેરોયે આરોપ મૂક્યો હતો કે ચૂંટણી દરમિયાન ભાજપ કાઉન્સિલર દ્વારા બેલેટ પેપર ફાડી નાખવામાં આવ્યા હતાં. ભાજપ કાઉન્સિલરોએ જે વર્તન કર્યુ છે તે શરમજનક છે. બેલેટ બોક્સ ફેંકી દેવામાં આવ્યું હતું અને બેલેટ પેપર ફાડી નાખવામાં આવ્યા હતાં અને મારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આવતીકાલે એમસીડીની કાર્યવાહી દરમિયાન મેયર ભાજપના કાઉન્સિલરો રેખા ગુપ્તા અને અમિત નાગપાલની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ઓબેરોયે વધુમાં જણાવ્યું હતું કે કોઇ પણ એક્ટમાં લખ્યું નથી કે મોબાઇલ ફોન વોટિંગ દરમિયાન પ્રતિબંધિત હોય છે અમે વકીલોની સલાહ લીધી છે તેમનું પણ આવું જ માનવું છે. જે મત પડી ગયા છે તેમને અયોગ્ય ગણવામાં નહીં આવે.