સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરમાં લગ્નના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હોળીધાર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં હિંમત પંડ્યાની હત્યા કરવામાં આવી છે. ભત્રીજીના લગ્ન સારી રીતે કરાતાં હત્યાનો બનાવ બન્યો હતો.
મારા કરતા કેમ લગ્ન સારા કર્યા તેમ કહી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી હત્યાના બનાવમાં હોમગાર્ડનો કમાન્ડર અને હોમગાર્ડમાં નોકરી કરતા બંધુઓ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સાયલામાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જેમાં હત્યાનો બનાવ બનતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલમાં આ હત્યાના બનાવના પગલે સાયલા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, આજે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. આ બનાવમાં આજુબાજુમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે મગજમારી થઇ હતી. જેમાં હિંમત લઘરાભાઈ પંડ્યાનું મોત નિપજ્યું છે, જેમાં સામે વાળા આરોપીઓ અને હિંમત ના પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી.
એમણે વધુમાં જણાવ્યું કે, આ બોલાચાલીને ધ્યાનમાં રાખીને હિંમત પંડ્યા જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા, ત્યારે આરોપીઓએ તેમને વચ્ચેથી રોકી તેમને મારામારી કરી અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી એમનું મૃત્યુ નિપજાવ્યું છે. હાલ મૃતક હિંમતની બોડી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવી છે. અને એમાં જે આરોપીઓ છે, એમાં હાલ પાંચ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, અને હાલ ફરિયાદી પક્ષ છે, એમને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાલમાં સાયલા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. જેમાં સાયલાના હોળીધાર વિસ્તારમાં ધોળાદિવસે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં માત્ર સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યાનો બનાવ બન્યો હતો.