મારા જીવને ખતરો છે : નિખિલ ગુપ્તાના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

નવીદિલ્હી, ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા નિખિલ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ચેક રિપબ્લિકમાં ધરપકડ કરાયેલા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રત્યાર્પણ થવા જઇ રહેલા આરોપી ભારતીય નિખિલ ગુપ્તાના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં તેના જીવને જોખમ હોવાનો આરોપ લગાવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો.

આ મામલામાં મદદ માટે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને સુપ્રિમ કોર્ટને ચેક સત્તાવાળાઓ સાથે હસ્તક્ષેપ કરવાનો આદેશ આપવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરજદારના જીવને જોખમ છે. અરજદાર કાયદાનું પાલન કરનાર ભારતીય નાગરિક છે અને તે પ્રાગની વિદેશી જેલમાં બંધ છે, જ્યાં તેના જીવન માટે ગંભીર ખતરો છે.

હકીક્તમાં, તાજેતરમાં અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. પન્નુ પાસે અમેરિકા અને કેનેડાની નાગરિક્તા છે. ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે. યુએસ એટર્ની ઓફિસે બુધવારે જણાવ્યું હતું કે નિખિલ ગુપ્તા નામના વ્યક્તિની જુનમાં ચેક સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે પ્રત્યાર્પણની રાહ જોઈ રહ્યો છે. વકીલોએ જણાવ્યું હતું કે પન્નુ ભારત સરકારનો સૌથી મોટો ટીકાકાર છે, જે યુ.એસ.માં રહી એક સંગઠનનું નેતૃત્વ કરે છે જે ભારતના પંજાબ રાજ્યને અલગ કરવાની હિમાયત કરે છે.