મંત્રીઓને અન્ય રાજ્યમાં ચૂંટણીની જવાબદારી સોંપાતા સચિવાલય અને મંત્રી બંગલા ખાલીખમ

ગાંધીનગર, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૨૫ લોક્સભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂરું થયા બાદ પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના આગેવાનોને તેના પ્લાન મુજબ જુદા જુદા રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારીના ભાગરૂપે આ તમામ આગેવાનો ચૂંટણી વ્યવસ્થામાં જોતરાઈ ગયા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ આગેવાનો અન્ય રાજ્યોના ચૂંટણીના પ્રચાર પ્રસાર અને વ્યવસ્થામાં ઉતારવામાં આવ્યા છે. અંદાજે ૨૦૦ જેટલા આગેવાનો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ , વારાણસી, હરિયાણા સહિતના રાજ્યોમાં પહોંચી ચૂક્યા છે. ત્રણ તબક્કાની ગુજરાતની ચૂંટણી પૂરી કરીને આ તમામ આગેવાનો વિવિધ મતવિસ્તારમાં જવાબદારી નિભાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં સી આર પાટીલ, રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો વારાણસીમાં જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાત લોક્સભાના અમરેલી ક્લસ્ટરના પ્રભારી અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હરિયાણા ખાતે આવેલી અનંતપુર સહિતની લોક્સભા વિસ્તારની જવાબદારી સોપવામાં આવી છે.

પૂર્વ ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રાયબરેલી લોક્સભાની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય મંત્રી ૠષિકેશભાઇ પટેલ હાર્દિક પટેલને ઉત્તર પ્રદેશના અલગ અલગ પોકેટમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાંથી મહેશ ક્સવાલા, કૌશિક વેકરીયા, જેવી કાકડીયા, જીતુ વાઘાણીને પંજાબના હરિયાણામાં મોકલવામાં આવ્યા છે. એવી જ રીતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને જમ્મુ કાશ્મીર, કુબેર ડીંડોર, ભીખુસિહ પરમાર અને કુવરજી હળપતિને ઓરિસ્સા જ્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પશ્ચિમ બંગાળ બચુભાઈ ખાબડને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા છે.