- આદિવાસી સમાજમાં રહેલ સુષુપ્ત શક્તિને જગાડવાનું કામ ગુરૂ ગોવિંદે કર્યું છે – શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર.
મહીસાગર, 17 નવેમ્બર 1913 માનગઢ ક્રાંતિના મહાનાયક, આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરૂને શત શત વંદન કરી આદિવાસી સ્વાધીનતા સંગ્રામના 1507 આદિવાસી વીર શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ માગશરી પૂનમના દિવસે મહીસાગર જીલ્લાના માનગઢ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને જીલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થતિમાં યોજાયો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતું પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજ્જારોની સંખ્યામાં બ્રિટીશરો ભૂરેટીયાઓના દમન-શોષણને વશ નહી થતા નિર્મમ હત્યા કરી જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતાયે ભયંકર બર્બરતા વ્હોરી તા.17-11-1913ના રોજ શહાદત થયેલા 1507 આદિવાસીઓ આજે પણ આપણા માટે દેશભકિતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના બલિદાનને ઈતિહાસને ઉજાગર કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયાસ કર્યા હતા અને તે પ્રયાસ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે અને રાજ્ય સરકાર ગુરૂ ગોવિંદનો ઇતિહાસ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આદિવાસી સમાજમાં રહેલ સુષુપ્ત શક્તિને જગાડવાનું કામ ગુરૂ ગોવિંદે કર્યું છે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે દેશની આઝાદી માટે માનગઢની ધરતી પર શહીદ થયેલ 1507 આદિવાસી વીર શહીદને નમન કરી જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 મી નવેમ્બરને 2023ના રોજ ઝારખંડ રાજ્ય માંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવી ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ સાથે વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અંતર્ગત જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ યાત્રા થકી સરકાર ઘર આંગણે આવી છેવાડાના માનવીને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી રહ્યા છે.
આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને નિવાસી અધિક કલેક્ટરએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલ, તાલુકા પંચાતના પ્રમુખ હરેશભાઈ વળવાઇ, અગ્રણી દશરથભાઇ બારીયા, પ્રાયોજના વહીવટદાર જે.પી.અસારી, ગોવિંદ ગુરૂના અનુયાયીઓ, ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ, સરપંચો, ગાયત્રી પરિવારના સભ્યો, આદિવાસી સમાજના આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.