મનોજ શાહની રેસિપી અને પ્રતીક ગાંધીનો મસાલો

મનોજ શાહ દિગ્દશત, ઈશાન દોશી-સત્ય મહેતા લિખિત અને પ્રતીક ગાંધી અભિનિત નાટક મોહનનો મસાલો જોવાનું બન્યું. આ બંને કલા સાધકોના અન્ય સર્જન જોયા, અનુભવ્યા અને માણ્યા હતાં, એટલે એમની અંદર ધબક્તા માણસ અને એમને અભિવ્યક્ત કરતા માનસને જાણવાનું એક કુતુહલ હતું. વલ્લભ વિદ્યાનગરમાં સીવીએમ યુનિવસટી આયોજિત યુગાન્તર યુથ ફેસ્ટિવલના અંતિમ દિવસે નાટય દિગ્દર્શક શ્રી મનોજ શાહ અને અને માતબર અભિનેતા પ્રતિક ગાંધી આવવાના હતા એવું સાંભળ્યું. સેલિબ્રિટી સાથે ફોટા સોશ્યલ મીડિયા પર કામ લાગે પરંતુ મનોજભાઈના નાટય કર્મ અને પ્રતીક ગાંધીની અભિનય કળા હંમેશા અલગ, ઉત્તમ અને સોંસરવી ઉતરે એવી લાગી છે. જીવનને તખ્તા પર લઇ જનાર આ બંને સંગાથીને મળવાનું થયું. જેનો શ્રેય નલિની એન્ડ અરવિંદ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડો એમ. જી. મન્સૂરીને આપવો ગમે જ. જીવંત અને કલાત્મક તસવીરો પ્રસિદ્ધ ફોટોગ્રાફર સુનિલ આડેસરાની સ્નેહાળ ભેટ છે. તો હવે વાત માંડું અભિનયના ગાંધી પ્રતીકની અને અનેક કહાનીઓને ધબકાર આપનાર મનોજભાઈની…

પ્રતીક ગાંધી (અભિનેતા)

હું જયારે કોઈ પણ ફિલ્મ કે નાટકની સ્ક્રીપ્ટ વાંચું છું ત્યારે પણ મને મારો એન્જીનીયરીંગનો અભ્યાસ કામ આવે છે. વાંચન અને અભિવ્યક્તિ સુધીની મુસાફરીમાં મારી પાસે સ્ટ્રક્ચર, શિસ્ત અને સજ્જતામાં એન્જીનીયરીંગનું પેશન ઉપયોગી થાય છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ અભ્યાસ અને સફળ વ્યવસાય બાદ વર્ષ ૨૦૧૬થી ફૂલ ટાઈમ અભિનેતાની કારકિર્દી શરુ કરનાર પ્રતીક ગાંધીના આ શબ્દો છે. ચોથા ધોરણથી થિયેટરમાં કામ કરવાનું શરુ કર્યું હતું એટલે મંચ કાયમ પ્રતીક માટે પોતીકું રહ્યું. થિયેટરમાં ઘડાયેલા આ અભિનેતાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ અને સફળતા જાણે સાથે જ મેળવી. બે યાર, રોન્ગ સાઈડ રાજુ, લવની ભવાઈ અને વેન્ટિલેટર જેવી સફળ ફિલ્મો આપનાર પ્રતીક ગાંધીની બીજી ઓળખ એટલે સિરીઝ સ્કેમ ૧૯૯૨ના હર્ષદ મહેતા. મહેતા(હર્ષદ), મોહન (ગાંધીજી) અને ચંદ્રકાન્ત બક્ષીમાં પ્રવેશ કરતા પ્રતીક ગાંધીનો ખુદનો મસાલો શું છે? અભિનયના સ્વપ્ન જોતા અનેક યુવકોમાં આ કલાકાર ખરેખર શેનું પ્રતીક છે? પેશન સાથેની મહેનત, વિચારોની સ્પષ્ટતા અને સમૃદ્ધિ, નિરંતર પ્રેક્ટિસ અને એક સાથે વધુ વિકલ્પનું હોવું સુરતમાં મોટા થયેલ એક યુવકને ’ધ પ્રતીક ગાંધી’ બનાવે છે.

પ્રશ્ર્ન: અભિનય, મીડિયા કે અન્ય એવા ગ્લેમરસ ક્ષેત્રમાં કારકિર્દી ઇચ્છતા યુવાન અભ્યાસ અને શિક્ષણને અવરોધ માને છે, એ તમામ માટે શું સંદેશ છે?

જવાબ: શિક્ષણ ક્યારેય અવરોધ બને જ નહિ, એ અલગ અલગ સ્વરૃપે હંમેશા મદદરૃપ થાય છે. મારી વાત કરું તો એન્જીયનીયરીંગ મારી માટે ભાર કે ફરજીયાત નહિ પેશન રહ્યું છે જે આજે પણ મને એટલું જ કામ આવે છે અને રહી વાત આર્ટ ઇન્ડસ્ટ્રીની, સો ટકા એના પર નિર્ભર રહેવું શક્ય નથી, આ એક સ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી નથી,એમાં ઘણા વેરિયેબલ છે. ભણતરથી મોટો કોઈ એવો પાવર નથી જે તમારું મગજ ખોલી શકે. પાત્રની પરત ખોલવામાં મને મારું એન્જીનીયરીંગનું મગજ કામ લાગે છે. લેખકના મગજમાં આવેલ પહેલા વિચારથી કિરદાર થકી જયારે અભિવ્યક્ત થાય ત્યારે ભણતર એક એવી સલામતી પણ છે કે જે તમને કળામાં વધુ સઘન મહેનત થઇ શકે.

પ્રશ્ર્ન: અભિનયનો રિયાઝ શું હોય છે , તમારે રિયાઝ માટે શું કરો છો?

જવાબ : અભિનય ક્ષેત્રનો રિયાઝ થોડો વિચિત્ર હોય છે. કારણકે એમાં સ્ટ્રક્ચર નથી. ક્રિકેટર નેટ પ્રેક્ટિસ કરે, સંગીતકાર સમય પ્રમાણે રાગ ગાઈને કરી શકે. અભિનય માટે એવું કોઈ ચોક્કસ માળખું નથી. તમે જે કરો છો તે સાતત્ય સાથે કરો. મારી વાત કરું તો, ફિલ્મ શૂટિંગને અન્ય કામમાંથી સમય ફાળવીને હું જે શો કરું છું તે મારો રિયાઝ છે. તમે પ્રેક્ટિસ દરમ્યાન કે શો દરમ્યાન જાગૃત રહો એ જરૃરી છે. થિયેટર એક્ટરનું જિમ સ્ટેજ અને શો છે . તમે તમારી ભૂલને કે પર્ફોમન્સને ઓબ્જેક્ટિવ થઇને જોવા જોઈએ. સેલ્ફ ડાઉટ દરેક એક્ટર માટે જરૃરી છે.