મનોજ બાજપેયીની ફિલ્મ પર વિવાદ,આસારામ બાપુ ટ્રસ્ટે નિર્માતાઓને નોટિસ મોકલી ;ફિલ્મમાં બાપુની ખોટી છબી બતાવવામાં આવી છે

મુંબઇ,મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ’સિર્ફ એક બંદા કાફી હૈ’ ઉપર વિવાદ થયો છે. ૮ મેના રોજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ આસારામ બાપુ ટ્રસ્ટે ફિલ્મના નિર્માતાઓને નોટિસ પાઠવી છે. ટ્રસ્ટના વકીલે કોર્ટને વિનંતી કરી છે, ફિલ્મની રિલીઝ અને પ્રમોશન કોઈપણ રીતે રોકવામાં આવે. વકીલનું કહેવું છે કે આ ફિલ્મ તેના અસીલની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડી રહી છે.હકીક્તમાં, ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ૧૬ વર્ષની છોકરી પર એક બાબા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ સાથે જ ડિસ્ક્લેમરમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મમાં બાબાનો દેખાવ સીધો આસારામ સાથે મળતો આવે છે, તેથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ માત્ર આસારામના વિવાદ સાથે જોડાયેલી છે.

આ સમગ્ર મામલે ફિલ્મના નિર્માતા આસિફ શેખે વાત કરતા કહ્યું હતું કે, ’હા અમને નોટિસ મળી છે. હવે અમારા વકીલો નક્કી કરશે કે આ મામલે આગળનું પગલું શું હશે. અમે પીસી સોલંકી પર બાયોપિક બનાવી છે અને તેના માટે અમે તેમની પાસેથી રાઇટ્સ પણ ખરીદ્યા છે.’ હવે જો કોઈ આવીને કહે છે કે આ ફિલ્મ તેના પર આધારિત છે તો અમે તેના વિશે કંઈ કરી શક્તા નથી. આપણે કોઈના વિચારને રોકી શક્તા નથી. જ્યારે ફિલ્મ રીલિઝ થશે ત્યારે સત્ય પોતે જ કહેશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી સિનેમા પર ૨૩ મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ આસારામ સામે કેસ લડનારા વકીલ પીસી સોલંકી પર આધારિત છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીએ પોતાની ભૂમિકા ભજવી છે. પીસી સોલંકીનું પૂરું નામ પૂનમચંદ સોલંકી છે. પીસી સોલંકી એ વ્યક્તિ છે જેણે આસારામ કેસમાં બળાત્કાર પીડિતા વતી વકીલાત કરી હતી. સોલંકીએ આ કેસ તો લડ્યો જ પરંતુ તે છોકરીને ન્યાય પણ મળ્યો.

આ દરમિયાન તેને કેસ છોડી દેવાની લાલચ અને ધમકીઓ પણ મળી, પરંતુ તેણે તેની પરવા કરી નહીં. આ જ કારણ છે કે આજે આસારામ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આસારામ વતી દેશના જાણીતા અને દિગ્ગજ વકીલોએ આ કેસની દલીલ કરી હતી. આ વકીલોની સામે પી.સી.સોલંકીએ ખૂબ જ સમજદારીપૂર્વક પીડિતાની બાજુ રજુ કરી અને કોઈપણ ડર વગર કેસને તેના નિષ્કર્ષ પર લઈ ગયો.

પીસી સોલંકી ૨૦૧૪માં આ કેસમાં જોડાયા હતા. ત્યારથી તે સતત કેસની દલીલ કરી રહ્યા હતા. કેસ જીત્યા પછી જ તેને સંતોષ થયો. નોંધનીય છે કે સોલંકીએ આ ફિલ્મ માટે કોઈ ફી લીધી ન હતી અને તેઓ પોતાના ખર્ચે દિલ્હી અને અન્ય સ્થળોએ જતા હતા. તેમને કેસમાંથી ખસી જવા માટે વિવિધ પ્રલોભનો આપવામાં આવ્યા હતા. જ્યારે તેણે કેસ ન છોડ્યો ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, પરંતુ તેણે પરેશાન થયા વિના કેસ લડવાનું ચાલુ રાખ્યું હતું. આસારામના ગુનાઓ પહેલીવાર ૨૦૧૩માં પ્રકાશમાં આવ્યા હતા. ઓગસ્ટ ૨૦૧૩માં એક સગીર છોકરીએ આસારામ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. તેના માતા-પિતાએ આરોપ લગાવ્યો હતો કે આસારામે વળગાડના નામે તેમની પુત્રી પર બળાત્કાર કર્યો હતો. વાસ્તવમાં તે છોકરીને કહેવામાં આવ્યું હતું કે તમને દુષ્ટ આત્મા છે અને માત્ર આસારામ બાબુ જ તેનો ઈલાજ કરી શકે છે. પીડિત યુવતી ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આસારામના જોધપુર આશ્રમમાં ગઈ હતી. તે જ દિવસે આસારામે બાળકી પર બળાત્કાર કર્યો હતો. ૨૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ પીડિતાના માતા-પિતાએ એફઆઈઆર નોંધાવી હતી. પાંચ વર્ષ પછી, એપ્રિલ ૨૦૧૮ માં, તેને જોધપુર કોર્ટમાં દોષી ઠેરવવામાં આવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.