મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી ૬ એપ્રિલ સુધી લંબાવાઇ

નવીદિલ્હી, આપ નેતા મનીષ સિસોદિયાને કોઈ રાહત મળતી હોય તેમ લાગતું નથી. મનીષની ન્યાયિક કસ્ટડી ૬ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.દરમિયાન કોર્ટે આપ સાંસદ સંજય સિંહને રાજ્યસભાના શપથ લેવાના હોવાથી તેમને આજે હાજરીમાંથી મુક્તિ આપી હતી.ઈડીએ અરજી દાખલ કરીને કહ્યું કે આરોપીઓએ લગભગ ૯૫ અરજીઓ દાખલ કરી છે, જેના કારણે કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. ઈડીની અરજીનો આરોપીઓના વકીલે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મોટાભાગની અરજીઓ મૌખિક રીતે કરવામાં આવી હતી.

આરોપીના વકીલે કહ્યું કે ઈડીએ કોર્ટના આદેશનું પાલન કરવામાં એક વર્ષનો સમય લીધો અને હવે ઈડી કહી રહી છે કે આરોપીઓ દ્વારા કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેની અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર એક્સાઈઝ નીતિને લઈને કરવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બનાવટી છે. પાર્ટીનો આરોપ છે કે ઈડી ભાજપની રાજકીય પાંખની જેમ કામ કરી રહી છે. ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતા અને અન્ય કેટલાક લોકોએ એક્સાઇઝ પોલિસીમાં લાભ મેળવવા માટે આમ આદમી પાર્ટીને રૂ. ૧૦૦ કરોડ ચૂકવ્યા હતા, એમ ઈડ્ઢએ સોમવારે જણાવ્યું હતું. ટોચના નેતાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.

ઇડીએ ગયા અઠવાડિયે હૈદરાબાદમાંથી કવિતાની ધરપકડ કરી હતી. આપે એક નિવેદનમાં કહ્યું, ભૂતકાળમાં અનેક પ્રસંગોએ, ઈડીએ આવા સંપૂર્ણ ખોટા અને બનાવટી નિવેદનો જારી કર્યા છે, જે દર્શાવે છે કે નિષ્પક્ષ તપાસ એજન્સી બનવાને બદલે, તે ભાજપની રાજકીય પાંખની જેમ કામ કરી રહી છે. આપના આરોપો પર ભાજપ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.