નવીદિલ્હી, દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ઈડીએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. ઈડીએ કહ્યું કે અમને જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય જોઈએ છે કારણ કે તપાસ અધિકારી હાલમાં આ કેસમાં બીજી ફરિયાદ પર કામ કરી રહ્યા છે.
મનીષ સિસોદિયા વતી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને ઈડી-સીબીઆઇની આ માંગનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે અને ED ને ચાર દિવસનો સમય આપ્યો છે. હવે આ કેસની સુનાવણી ૧૩ મેના રોજ થશે. છેલ્લી સુનાવણી પર હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. ૩૦ એપ્રિલે સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં તેમની જામીન અરજી ફગાવી દેવાના રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
આ પહેલા સિસોદિયાની જામીન અરજી પર ૩ મેના રોજ સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને નોટિસ જારી કરી અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા દ્વારા એક્સાઈઝ પોલિસી કેસમાં જામીન મેળવવાની અરજીઓ પર તેમનો જવાબ માંગ્યો. આ સાથે કોર્ટે સિસોદિયાને તેમની પત્નીને અઠવાડિયામાં એક વખત મળવાની પણ મંજૂરી આપી છે. વાસ્તવમાં, ઈડીએ કહ્યું હતું કે સિસોદિયાની પત્નીને મળવા માટે કસ્ટોડિયલ પેરોલની માંગણી કરતી અરજી સામે તેને કોઈ વાંધો નથી.
૩૦ એપ્રિલે ટ્રાયલ કોર્ટે સીબીઆઈ અને ઈડી બંને કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સિસોદિયા ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩થી કસ્ટડીમાં છે. એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ અને ઈડી બંને દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ બીજી વખત હતો જ્યારે ટ્રાયલ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. સીબીઆઇ કેસમાં તેમની પ્રથમ જામીન અરજી ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ ફગાવી દેવામાં આવી હતી.