નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર ૧૪ જુલાઈએ સુનાવણી કરશે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ મૂક્યો, જેના પર કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે.
સિંઘવીએ જણાવ્યું કે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાની પત્ની ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. ગુરુવારે સિસોદિયા પોતાના જામીન મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમના પર દિલ્હીની લીકર પોલીસીમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. દરોડા બાદ ઈડી દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ઈડીએ ભૂતકાળમાં દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાની ૭.૪૦% સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. સિસોદિયાની સાથે અન્ય આરોપીઓ અમનદીપ ધલ, રાજેશ જોશી અને ગૌતમ મલ્હોત્રાની રૂ. ૫૨.૨૪ કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી.
આપ નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની સીબીઆઈ દ્વારા લીકર પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, ઇડીએ માર્ચમાં લીકર પોલિસીના મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પૂછપરછ કર્યા પછી ધરપકડ કરી હતી.