નવીદિલ્હી,દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આજે એટલે કે શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં સીબીઆઈ પાસેથી તપાસનો નવીનતમ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ ૫ ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
તમને જણાવી દઈએ કે સિસોદિયાની ’કૌભાંડ’માં કથિત ભૂમિકા બદલ સીબીઆઇ દ્વારા ૨૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે. ઇડીએ તિહાર જેલમાં તેમની પૂછપરછ કર્યા બાદ સીબીઆઇ એફઆઇઆર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ૯ માર્ચે તેમની ધરપકડ કરી હતી. તેમણે ૨૮ ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. નોંધનીય છે કે આ મામલે દિલ્હીમાં વિપક્ષી પાર્ટી બીજેપી અને સત્તાધારી આમ આદમી પાર્ટી વચ્ચે ભારે રાજકીય બબાલ ચાલી રહી છે.
મનીષ સિસોદિયાને પણ સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી.