સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં આપ નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
મનીષ સિસોદિયાએ એક્સાઈઝ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ હાઈકોર્ટના જજ સ્વર્ણકાંત શર્માએ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને એક્સાઈઝ નીતિ ઘડવામાં લોકોનો વિશ્વાસ તોડ્યો છે. સિસોદિયા ખૂબ જ પ્રભાવશાળી છે અને જો તેમને જામીન મળે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તે પશ્ર્ચિમ બંગાળમાં સરકારી અને સહાયિત શાળાઓમાં ૨૫,૭૫૩ શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂકને અમાન્ય કરવાના કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી રાજ્ય સરકાર અને અન્ય લોકોની અરજીઓ પર સપ્ટેમ્બરમાં સુનાવણી કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અયક્ષતાવાળી બેંચે આ અરજીઓનો જવાબ આપવા માટે પક્ષકારોને ૧૬ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ’પશ્ર્ચિમ બંગાળના કેસોમાં અરજદારો માટે લેખિત દલીલો દાખલ કરવાનો સમય આગામી શુક્રવાર સુધી લંબાવવામાં આવશે.’ બેન્ચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે. હાઈકોર્ટના ૨૨ એપ્રિલના નિર્ણયથી સંબંધિત ૩૩ અરજીઓ પર સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે હવે તેમના પર અંતિમ સુનાવણી સપ્ટેમ્બરમાં કરવાનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીઓમાં પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરાયેલી એક અરજીનો પણ સમાવેશ થાય છે.
બેન્ચ કલકત્તા હાઈકોર્ટના ૨૨ એપ્રિલના ચુકાદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે પશ્ર્ચિમ બંગાળની સરકારી અને સહાયિત શાળાઓમાં ૨૫,૭૫૩ શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂકને અમાન્ય જાહેર કરી હતી. નિમણૂકો રદ કરવા સાથે, કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને નિમણૂક પ્રક્રિયાની તપાસ કરવા અને ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સ્ટેટ લેવલ સિલેક્શન ટેસ્ટ -૨૦૧૬ દ્વારા જાહેરાત કરાયેલી ૨૪,૬૪૦ ખાલી જગ્યાઓ માટે ૨૩ લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા.