મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે સીબીઆઇને નોટિસ જારી કરી

નવીદિલ્હી,દિલ્હી હાઈકોર્ટે અરજી પર સીબીઆઈનો જવાબ માગ્યો છે અને આ અંગેની સુનાવણી ૨૦ એપ્રિલે થશે. ઉલ્લેખનીય છે કે, સિસોદિયાની સીબીઆઈ દ્વારા ૨૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

દિલ્હીમાં કેજરીવાલ સરકારે ૧૭ નવેમ્બર, ૨૦૨૧નાં રોજ નવી એક્સાઈઝ પોલિસી લાગુ કરી હતી. દિલ્હી સરકારે નવી એક્સાઈઝ પોલિસી લાવવાને લઈને માફિયા રાજ ખતમ કરવાનો તર્ક આપ્યો હતો. જુલાઈ ૨૦૨૨માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે આ મામલે એલજી વીકે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એક્સાઈઝ પોલિસીમાં ગરબડીની સાથે જ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર શરાબ વેપારીઓને અનુચિત લાભ પહોંચાડવાનો પણ આરોપ લાગ્યો હતો. આ રિપોર્ટના આધારે CBI એ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ કેસ દાખલ કર્યો હતો. આ કેસ અંતર્ગત સીબીઆઇએ સિસોદિયાની ધરપકડ કરી હતી.

સીબીઆઇએ જણાવ્યું હતું કે નવી એક્સાઈઝ નીતિમાં કથિત અનિયમિતતાઓની તપાસ અંગે ઉપમુખ્યમંત્રી અને પ્રભારી એક્સાઈઝ મંત્રી તેમજ ૧૪ અન્ય વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. ડેપ્યુટી સીએમની ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩નાં રોજ તપાસમાં સહયોગ કરવા માટે સીઆરપીસીની કલમ ૪૧-એ અંતર્ગત નોટિસ જાહેર કરી હતી. જો કે તેમણે વ્યસ્તતાનું કારણ આપીને એક સપ્તાહનો સમય માગ્યો હતો. તેમના અનુરોધ પર ફરી નોટિસ જાહેર કરાઈ હતી. જો કે આ દરમિયાન તેમણે યોગ્ય જવાબ આપ્યા ન હતા તેમજ તપાસમાં પણ સહયોગ કર્યો ન હતો તેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.