ઇમ્ફાલ, મણિપુરમાં ૩ મેથી અનામત મામલે કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. ૧૨૦ દિવસથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન, રાજ્ય સરકારની માંગ પર આજે વિધાનસભાનું એક દિવસનું સત્ર હતું. રાજ્યમાં ફરીથી શાંતિ સ્થાપવા અંગે ચર્ચા થવાની અપેક્ષા હતી. જો કે, હોબાળાને કારણે સત્ર અનિશ્ર્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
સીએમ એન બિરેન સિંહે ૨૧ ઓગસ્ટના રોજ રાજ્યપાલ અનુસુઈયા ઉઇકેને સત્ર શરૂ કરવાની ભલામણ કરી હતી. ૨૨ ઓગસ્ટે રાજભવને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. બંધારણની કલમ ૧૭૪(૧) મુજબ કોઈપણ ગૃહના બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ. મણિપુરમાં છેલ્લું સત્ર માર્ચમાં યોજાયું હતું. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરમાં છ મહિનાની મુદત પૂરી થઈ રહી હતી.
બે મંત્રીઓ સહિત ૧૦ ધારાસભ્યોએ સુરક્ષાને ટાંકીને સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ તમામ આદિવાસીઓ કુકી સમુદાયમાંથી આવે છે. તેમાં એલએમ ખૌટે, નગુર્સાંગલુર સનાટે, લેટજમંગ હાઓકીપ,પાઓલિનલાલ હાઓકીપ, વુંગજાગીન વોલ્ટે, હાઓખોલેટ કિપગેન (અપક્ષ), કિમ્રેઓ હાઓકીપ હેંગશિંગ, ચિનલુંગથાંગનો સમાવેશ થાય છે. જો કે સીએમ બિરેન સિંહે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવાની ખાતરી આપી છે. મણિપુરનો મુદ્દો સંસદના ચોમાસુ સત્રમાં ચર્ચા માટે આવ્યો હતો, જે ૨૦ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી ચાલ્યો હતો. ૨૬ જુલાઈના રોજ, વિપક્ષ ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈક્ધ્લુઝિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયાએ મણિપુર પર ચર્ચા કરવા માટે અવિશ્ર્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રસ્તાવ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ લાવ્યા હતા. ૮ થી ૧૦ ઓગસ્ટ સુધી તેની પર ચર્ચા થઈ હતી. ૯ ઓગસ્ટના રોજ રાહુલે ૩૫ મિનિટના ભાષણમાં ભારત જોડો યાત્રા અને મણિપુર પર વાત કરી હતી. બીજી તરફ, ૧૦ ઓગસ્ટે મોદીએ ૨ કલાક ૧૨ મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે ૧ કલાક ૩૨ મિનિટ પછી મણિપુર પર ભાષણ આપ્યું હતું. મોટી વાત એ છે કે વડાપ્રધાન મણિપુર પર બોલવાનું શરૂ કરે તે પહેલા જ વિપક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી ચૂક્યો હતો. ૧૨ કલાકની ચર્ચા બાદ મોદી સરકારને ૩૨૫ વોટ મળ્યા. વિપક્ષને ૧૨૬ વોટ મળ્યા હતા. જે બાદ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો.
મણિપુર મુદ્દે માત્ર સંસદમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં પણ ચર્ચા થઈ હતી. ૧૮ ઓગસ્ટે દિલ્હી વિધાનસભામાં મણિપુર હિંસાની નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ વિપક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયો હતો.ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત હંગામા સાથે થઈ હતી. સત્રના પહેલા દિવસે ૭ ઓગસ્ટે સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષોને રાજ્યના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા માટે એક્સાથે આવવાની અપીલ કરી હતી, પરંતુ અખિલેશ યાદવે મણિપુર મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં ૩૧ જુલાઈએ મણિપુરમાં હિંસાની નિંદા પ્રસ્તાવ પસાર થયો હતો. રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન સોવનદેવ ચટ્ટોપાધ્યાયે વિધાનસભા સત્રના બીજા તબક્કામાં ગૃહમાં પ્રસ્તાવ વાંચી સંભળાવ્યો. પ્રસ્તાવ પર બોલતા, સીએમ મમતા બેનર્જીએ હિંસાગ્રસ્ત રાજ્યમાં પરિસ્થિતિને સંભાળવામાં ભાજપ અને કેન્દ્ર સરકારની ભૂમિકાની નિંદા કરી હતી.મણિપુરને લઈને ૩૧ જુલાઈએ ઝારખંડ વિધાનસભામાં હંગામો થયો હતો. સ્પીકર રવિન્દ્રનાથ મહતોએ ગૃહમાં બેસતા જ ઝારખંડ વિકાસ મોરચાના પ્રદીપ યાદવે મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર ભાજપના ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.હિંસામાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા છે. તેમજ, ૬ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ૬૫ હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. આગચંપીના ૫ હજારથી વધુ બનાવો બન્યા છે. છ હજાર કેસ નોંધાયા છે અને ૧૪૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં ૩૬ હજાર સુરક્ષાકર્મીઓ અને ૪૦ આઈપીએસ તૈનાત કરવામાં આવ્યા છે. પહાડી અને ખીણ બંને જિલ્લાઓમાં કુલ ૧૨૯ ચોકીઓ બનાવવામાં આવી છે. મણિપુર હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. ૧૯ જુલાઈના રોજ બે નિર્વસ્ત્ર મહિલાઓનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટોળાએ મહિલાઓના કપડા ઉતારી ગામમાં ફેરવી હતી. બાદમાં તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ ઘટના ૪ મેના રોજ બની હતી. વીડિયો સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે મામલાને ધ્યાનમાં લીધો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તેઓ ચોંકી ગયા છે. આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી. હિંસામાં મહિલાઓનો ટુલ તરીકે ઉપયોગ ન થવો જોઈએ. અમે સરકારને તેના પર કાર્યવાહી કરવા માટે થોડો સમય આપી રહ્યા છીએ, નહીં તો અમે કાર્યવાહી કરીશું. હાલ આ મામલે ૨૮ જુલાઈથી સુનાવણી ચાલી રહી છે.