મણિપુરને કારણે ઊંઘી નથી શક્તા અમિત શાહ, સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર: આસામના મુખ્યમંત્રી

ગોવાહાટી, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ દાવો કર્યો કે આજે મણિપુરમાં જે પણ સ્થિતિ છે, તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. આ હિંસાઓ માટે કોંગ્રેસ જવાબદાર છે. આ બધાની વચ્ચે આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, હોમ મિનિસ્ટર અમિત શાહ મણિપુરને કારણે રાતે ઊંઘી પણ નથી શક્તા. તે કહે છે, ગયા અઠવાડિયે તેમણે રાતે ૩ વાગ્યે મને ફોન કર્યો અને મણિપુરની એક વિશેષ ઘટના પર ચર્ચા કરી.

અમે હંમેશા સાર્વજનિક રીતે અમારા કામો વિશે વાત કરતા નથી. સરમાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે નોર્થ ઈસ્ટ રાજ્યો હંમેશા સંઘર્ષમાં ફસાઇ રહે. નેહરૂએ એક એંગ્લો ઈન્ડિયનને નોર્થ ઈસ્ટના રાજ્યોની સમસ્યાઓના નિરાકરણ માટે નિયુક્ત કર્યા. ત્યાર પછીથી જ આ સંઘર્ષ શરૂ થયું છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સંસદમાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુરની સ્થિતિને લઇ મોદી સરકાર પર જબરદસ્ત સવાલો ઉઠાવ્યા હતા. આસામના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, જ્યારે નોર્થ ઈસ્ટ રાજ્યોમાં જાતીય ગ્રુપોની સુરક્ષાની જરૂર હતી ત્યારે કોંગ્રેસે કશુ કર્યું નહીં. એટલું જ નહીં બંધારણ બનાવતા સમયે પણ આના પર ધ્યાન આપવામાં આવ્યું નહીં.

સરમા કહે છે કે, મણિપુરનું સંઘર્ષ રાતો રાત શરૂ થયું નથી. આનો લાંબો ઈતિહાસ છે અને કોંગ્રેસ આના માટે એકમાત્ર જવાબદાર છે. પૂર્વ પ્રધાનમંત્રીઓ જવાહરલાલ નેહરૂ અને ઈંદિરા ગાંધીનું નામ લેતા કહ્યું કે, જ્યારે સંઘર્ષ ચાલી રહ્યું હતું તો કોંગ્રેસી પ્રધાનમંત્રીઓએ ક્યારેય આ રાજ્યોની મુલાકાત લીધી નહીં. જ્યારે મુલાકાત લીધી તો નોર્થ ઈસ્ટના લોકોને જવાબદાર માન્યા.

સરમાએ કોંગ્રેસને કહ્યું કે, તેઓ ભાજપા પર આરોપ લગાવવાના સ્થાને નોર્થ ઈસ્ટના દરેક નાગરિકોની માફી માગે. કોંગ્રેસ પર સવાલ ઊભા કરતા કહ્યું કે, તમારા હાથો નોર્થ ઈસ્ટ લોકોના લોહીથી રંગાયેલા છે. આ ભાગના લોકો તમારી ખોટી નીતિઓને લીધે મરાયા છે અને તમારે માફી માગવી જોઇએ. મણિપુરની જેમ આસામ પણ કોંગ્રેસના ખોટા કામોને લીધે રડી રહ્યું છે. કારણ કે કોંગ્રેસે ૧૯૭૧ પછી વિદેશીઓ માટે દ્વાર ખોલી દીધા અને બંગાળી મુસલમાનોની મોટી સંખ્યા આસામમાં આવી ગઇ.

સરમા કહે છે કે, અમિત શાહ મણિપુરના કારણે રાતે ઊંઘી શક્તા નથી. આજે મણિપુરમાં જે પણ સ્થિતિ છે, તેની પાછળ કોંગ્રેસની જ હરક્તો છે. અહીં થઇ રહેલી હિંસા માટે પણ કોંગ્રેસ જ જવાબદાર છે.