નવી દિલ્હી : મણિપુરમાં ઉગ્રવાદને કારણે હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હોવાની મુખ્યમંત્રીની વાતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ખોટી ઠેરવીને રાજ્યની જ બે જાતિ, મૈતેઈ અને કુકી, વચ્ચેના સંઘર્ષનું પરિણામ ગણાવી છે. ચૌહાણે મંગળવારે પૂણેમાં કહ્યું કે તોફાનોને કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો કહી શકાય. તોફાનોને કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે થોડો સમય લાગશે. ૨૦૨૦ સુધી મણિપુરમાં સેના તહેનાત હતી પરંતુ પરિસ્થિતિ સુધરવાને કારણે સેનાને ઉત્તરીય (ચીન) સરહદે ખસેડી દેવાઈ હતી.
જ્યારે તેનાથી વિરુદ્ધ બે દિવસ પહેલાં જ મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું હતું કે મણિપુરમાં તોફાનોમાં સંડોવાયેલ ૪૦ ઉગ્રવાહીને ઠાર કરાયા છે. બીરેન સિંહે પત્રકાર પરિષદમાં રાજ્યની જનજાતિઓને તોફાન માટે જવાબદાર ઠેરવ્યા હતા. ત્યાર પછી બીરેન સિંહે સ્પષ્ટતા કરવી પડી હતી. મૃતકોને ઉગ્રવાદી કહેવા અને તેમના મૃતદેહો અંગે તંત્ર કોઈ જવાબ આપી શક્યું નહોતું.
મૈતેઈ સમાજને STનો દરજ્જો આપવાના મુદ્દે જાતીય સંઘર્ષ વકર્યો, અહીં ૩ વર્ષથી ઉગ્રવાદની કોઈ ઘટના નથી
મણિપુરમાં મૈતેઈ અને કુકી-નાગા જાતિઓમાં જમીન, ભાષા અને એકાધિકાર મુદ્દે સંઘર્ષનો જૂનો ઇતિહાસ છે. અત્યારે મૈતેઈને એસટીનો દરજ્જો આપવાના મુદ્દે આ સંઘર્ષ વકર્યો છે.
મણિપુરમાં ૨-૨- પછી ઉગ્રવાદનની કોઈ મોટી ઘટના ઘટી નથી. આથી સેના અને આસામ રાઇફલ્સને અહીંથી હટાવીને એલએસી પર તહેનાત કરાઈ છે.
મૈતેઈ અત્યારે પણ એસસી, ઓબીસી અને ઇડબલ્યુએસના અનામતનો લાભ લઈ રહ્યા હોવાથી કુકી અને નાગા સમાજે મૈતેઈને એસટી અનામતનો વિરોધ કરી રહ્યા છે. કુકી-નાગા કહે છે કે ૯૦% વિદેશી પ્રવાસીઓ અને ૭૫% દેશના પ્રવાસીઓ મૈતેઈ બહુમત ધરાવતી ઘાટીમાં જાય છે. આ કારણે ઘાટીના લોકોને વધુ આવક મળે છે. અમે ખેતી અને શિકાર પર જ નિર્ભર છીએ.
સૂત્રોના કહેવા પ્રમાણે તોફાનો પછી મણિપુરનાં ૬ પોલીસમથક, ટ્રેનિંગ કૉલેજ, આઇઆરબી બટાલિયન કૅમ્પમાંથી દોઢ હજાર જેટલી અત્યાધુનિક રાઇફલ અને ૧૫ હજાર રાઉન્ડથી વધુ કારતૂસની લૂંટ ચલાવાઈ છે. પોલીસ અત્યાર સુધીમાં ૫૦૦ જેટલી રાઇફલ અને ૬૭૦૦ કારતૂસ જ પરત મેળવી શકી છે. આ અંગે ૩૯૯ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃમંત્રી અમિત શાહે મંગળવારે મહિલા સમૂહ મેઇરા પાઇબી સાથે મુલાકાત કરી હતી. આ સમૂહ રાજ્યની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. શાહે ચુરાચાંદપુર અને કાંગ્પોક્પી જિલ્લાની મુલાકાત પણ કરી હતી. દરમિયાન જનજાતી ફોરમ સાથેની ચર્ચામાં શાહે કહ્યું કે ૧૫ દિવસ સુધી શાંતિ જાળવવામાં મદદ કરે, અમે સમસ્યાનું રાજકીય સમાધાન આપીશું. કોંગ્રેસ અયક્ષ ખડગેના વડપણ હેઠળ પક્ષનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યું હતું.