મણિપુરના મુખ્યમંત્રી આવાસ પાસે ભીષણ આગ, પૂર્વ આઇએએસ ઓફિસરનું ઘર બળીને ખાખ

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના નિવાસસ્થાન પાસે ભીષણ આગ લાગી હતી. રાજધાની ઇમ્ફાલમાં સીએમના સત્તાવાર નિવાસસ્થાન પાસે એક ખાલી પડેલા મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે સીએમ આવાસની પાસે આ ખાલી ઘર ગોવાના પૂર્વ મુખ્ય સચિવ થંગખોપાઓ કિપગેનનું છે. કિપજેન, ભૂતપૂર્વ આઇએએસ અધિકારી, ૩ માર્ચ ૨૦૦૫ના રોજ મૃત્યુ પામ્યા. ઘરમાં તેના પરિવારના સભ્યો રહેતા હતા.

ઉપરાંત, પોલીસે કહ્યું કે આ ઘર કુકી ઇન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલું છે, જે ઇમ્ફાલના બાબુપારામાં મુખ્ય પ્રધાનના આવાસની સામે છે. પૂર્વ આઇએએસ અધિકારીના ઘરનું મુખ્યમંત્રી નિવાસસ્થાનથી અંતર લગભગ ૧૦૦ મીટર છે. શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ સીએમ આવાસ નજીક આગની ઘટના બની હતી.

સીએમ આવાસ નજીક આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની ભારે જહેમત બાદ ઘરમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે.

ઇમ્ફાલના પશ્ર્ચિમ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે રાજધાની ઇમ્ફાલમાં કુકી ઇન ઓલ્ડ લેમ્બુલેન નજીક એક ત્યજી દેવાયેલા મકાનમાં આગ લાગી હતી. તાત્કાલીક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ઘરનો પહેલો માળ બળી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે શોર્ટ-સકટ સહિતના સંજોગોની તપાસ માટે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે.