- ટોળું આવ્યું, ઘરો સળગાવી દીધા, પાછા ફરશે તો તેમની સાથે કેવી રીતે રહેશે.
ઈમ્ફાલ,’૩ તારીખે સાંજના લગભગ ૮ વાગ્યા હશે. જમવાનું તૈયાર હતું, તો પુત્રવધૂએ હાથ ધોવા કહ્યું. હું હાથ ધોવા આંગણે ગયો. ત્યારે અવાજો આવવા લાગ ભાગો-ભાગો, બચાવો-બચાવો. ત્યારપછી ગોળીઓ વરસવા લાગી. દીકરાએ બહાર જઈને જોયું તો ટોળું આગ લગાવી રહ્યું હતું. દીકરો આવ્યો અને કહ્યું- જલ્દીથી અહીંથી ભાગો. હું મારા પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે ભાગ્યો. આખી રાત ચાલ્યા. અમને ઈમ્ફાલમાં આ શિબિરની જાણ થઈ ત્યારે અહીં આવ્યા. ત્યારથી અહીં જ રહીએ છીએ.’
૭૨ વર્ષીય કેએસ જોઈમેતી ઈસ્ટ ઈમ્ફાલના ઈકાઉના રહેવાસી છે. તે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને કારણે ૩૦ હજાર લોકોમાં સામેલ છે જેમણે પોતાનું ઘર છોડવું પડ્યું. ૩ મેના રોજ કુકી-નાગા અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા શરૂ થયાને ૭ દિવસ થઈ ગયા છે. સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૬૦ લોકોના મોત થયા છે. પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ હજારો લોકો તેમના જ રાજ્યમાં શરણાર્થી બની ગયા છે. મણિપુર બે ભાગોમાં વહેંચાઈ ગયું છે, એક તરફ વિસ્થાપિત કુકી સમુદાય, બીજી બાજુ મૈતેઈ સમુદાય.
ઈમ્ફાલ શહેરમાં મૈઈતેઈ સમુદાય માટે ૧૦થી વધુ શરણાર્થી કેમ્પ બનાવવામાં આવ્યા છે. કુકીઓ ચુરાચંદપુર જેવા પહાડી જિલ્લામાં બાંધવામાં આવેલા કેમ્પમાં રહે છે. અમે બંને સમુદાયના કેમ્પમાં ગયા અને લોકોને પૂછ્યું કે તે રાત્રે શું થયું હતું. ઇમ્ફાલ શહેરમાં વિવિધ સ્થળોએ શાળાઓ અને કોલેજોમાં રાહત શિબિરોના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અત્યારે પણ લોકો આ શિબિરોમાં પહોંચી રહ્યા છે. કેટલાક લોકો સામાન સાથે પગપાળા આવતા જોવા મળ્યા, અમે વાત કરી તો જાણવા મળ્યું કે તેઓ પૂર્વ ઇમ્ફાલથી અહીં પગપાળા આવ્યા છે.કેમ્પમાં જૂના કપડાંનો ઢગલો છે, જે લોકોએ મદદ તરીકે આપ્યો છે. વિસ્થાપિત લોકો આ કપડાંમાંથી તેમના કદના કપડાં પસંદ કરી રહ્યા છે. શરણાર્થીઓ માટે વાહનો ભરીને લોજિસ્ટિક્સ આવી રહ્યું છે. મોટા હોલમાં લગભગ ૨ હજાર લોકો રહે છે. કે.એસ.જોઈમેતી પણ આમાં સામેલ છે.
કેએસ જોઈમેતી એક ખેડૂત છે. ૭૨ વર્ષના જોઈમેતી અને તેમનો પરિવાર ૩ મેની રાત્રે ટોળાના બે હુમલાથી બચી ગયો હતો. તેઓ કહે છે, ’ટોળું અમારા ઘરો પર પથ્થરમારો કરી આગ લગાડી રહ્યું હતું. મારો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર મારી સાથે હતા. મારી પાસે ઘરે રિક્ષા છે. મેં મારા પુત્રને જલ્દી રિક્ષા કાઢવા કહ્યું. અમે બધા એમાં બેઠા અને નીકળી ગયા. ઘર, દાગીના, ફ્રિજ, ટીવી, બાઇક, સામાન, કંઈ જ વિચાર્યું નહીં. હું અત્યારે જે કપડાં પહેરું છું, ત્યારે પણ એ જ કપડાં પહેર્યા હતા.’’અમારા ગામથી ૨ કિમી દૂર ગંગપિયાંગ ગામ છે. તેમાં કુકી લોકો રહે છે. ત્યાં પહોંચ્યા તો તેમને અટકાવી દીધા. અમને મારવાનો પ્રયાસ કર્યો ત્યાંથી અમે અમારા ગામ પાછા ફર્યા. કુકી લોકો પાસે બંદૂકો હતી. તેઓ કહેતા હતા- પાછા જાઓ- પાછા જાઓ. તેઓએ અમારા પર ગોળીબાર પણ કર્યો હતો.’
’બીજા માર્ગે અમે નજીકના મૈતેઈ ગામમાં પહોંચ્યા. થોડા સમય બાદ અહીં પણ ટોળાએ હુમલો કરતાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. ખૂબ અંધારું હતું, અમે ત્યાંથી પગપાળા દોડ્યા. રસ્તામાં દોલાઈથાબી ગામમાં રોકાયા. ગામની શાળાએ ચઢીને જોયું તો મારું આખું ગામ સળગતું હતું. ગોળીબારનો અવાજ આવ્યો. આખી રાત ચાલતા રહ્યા, ઈમ્ફાલના શરણાર્થી શિબિરમાં પહોંચ્યા, પછી શાંતિ મળી.’અમે પૂછ્યું- શું પહેલાં ક્યારેય બે સમુદાયો વચ્ચે લડાઈ થઈ હતી? જોઈમેતીએ કહ્યું – ’કુકી અને મૈતેઇ અમારા ગામમાં સાથે રહેતા હતા. તે દિવસે કુકી તોફાનીઓ એટલો ગોળીબાર અને બોમ્બ ધડાકા કરી રહ્યા હતા કે પરિસ્થિતિને સંભાળવી કોઈના હાથમાં નહોતી. હવે એવી આશા ઓછી છે કે પોતાના ગામ પરત ફરી શકશે. અત્યારે જઈશું તો જીવ ગુમાવવો પડશે. ત્યાં કશું બાકી નથી રહ્યું. માત્ર સરકારે જ વિચારવાનું છે કે અમે ક્યાં રહીશું.’