મણિપુરના ૨ ગામમાંથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત:૩ની ધરપકડ

ઇમ્ફાલ, મણિપુર પોલીસે ચુરાચાંદપુર જિલ્લાના બે ગામોમાંથી મોટા પ્રમાણમાં હથિયારો, મોર્ટાર અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ સિવાય ૧૨૦૦ રૂપિયાની નકલી નોટો પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય ઈમ્ફાલ પશ્ર્ચિમ જિલ્લાના કીસંપત જંકશનથી ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી બે રાઈફલ જપ્ત કરવામાં આવી છે.

બીજી તરફ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે રાજ્યમાં જાતિગત તણાવ દૂર કરવા માટે શાંતિની પહેલ શરૂ કરવામાં આવી છે. હવે આપણે ગભરાવાની જરૂર નથી. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ વિસ્તારોમાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવશે.

આઇઇડી બ્લાસ્ટ ૨૪ ફેબ્રુઆરીએ મણિપુરના ઇમ્ફાલ પશ્ર્ચિમના થાંગમેઇબેંડમાં ડીએમ કોલેજની બહાર થયો હતો. આમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ ૨૪ વર્ષીય ઓઈનામ કેનેગી તરીકે થઈ છે.

આ ઉપરાંત તે જ દિવસે તોફાનીઓએ ઇમ્ફાલ પૂર્વમાં યુનાઇટેડ કમિટી મણિપુર એનજીઓની ઓફિસને પણ સળગાવી દીધી હતી. આ ઘટના મોડી રાત્રે લગભગ ૧૨.૪૦ વાગ્યે બની હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. હાલ આ આગમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે ઓફિસ ખાલી હતી.

૩ મે, ૨૦૨૩ થી રાજ્યમાં કુકી અને મૈતેઈ લોકો વચ્ચે ચાલી રહેલી જાતિ હિંસામાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૫ હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડી ચુક્યા છે. ૬ હજાર કેસ નોંધાયા છે અને ૧૪૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૈતેઈને એસટીનો દરજ્જો આપવા પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં: મણિપુર હાઈકોર્ટે નિર્ણયમાંથી વિવાદાસ્પદ ફકરો હટાવ્યો, આ આદેશ પર હિંસા ફાટી નીકળી હતી.

મણિપુર હાઈકોર્ટે અનુસૂચિત જનજાતિ યાદીમાં મૈતેઈ સમુદાયને સામેલ કરવા અંગે વિચારણા કરવાના આદેશને રદ કર્યો છે. જસ્ટિસ ગોલમેઈ ગૈફુલશિલુની ખંડપીઠે આદેશમાંથી એક ફકરો હટાવતા કહ્યું કે તે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના વલણની વિરુદ્ધ છે.

મણિપુરના ઇમ્ફાલ પૂર્વમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૩ લોકો ઘાયલ થયા હતા. તોફાનીઓએ પેંગેઈમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો અને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.