- પીપલોદ, બારીયામાં બંધ નિષ્ફળ નિવડયો બજારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા.
- ઝાલોદ, ફતેપુરા, સંજેલી, લીમખેડા વિસ્તારોમાં આદિવાસી સમાજે મોટી સંખ્યામાં રેલી કાઢી વિરોધ નોંધાવ્યો.
- બંધના એલાનના પગલે દાહોદ જીલ્લા પોલીસ એલર્ટ મોડમાં, જાહેર સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો.
- લીમડી-લીમખેડા હાઇવે પર ટાયરો સળગાવી હાઇવે બંધ કરાતા વાહનોની કતાર લાગી.
દાહોદ, મણીપુરમાં ફેલાયેલી હિંસા તેમજ મહિલાઓ સાથે થયેલા જઘન્ય વ્યવહાર અને દુષ્કર્મના વિરોધમાં રાજકીય પાર્ટીઓ તેમજ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનમાં દાહોદ, ગરબાડા, લીમખેડા વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જ્યારે લીમડી, ઝાલોદ, સંજેલી, સુખસર ફતેપુરા, સિંગવડ જેવા વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. અત્રે ના વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢી મણીપુર હિંસા તેમજ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા તો સાથે સાથે બારીયા પિપલોદમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. જોકે આ બંધના એલાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો આદિવાસી સમાજ દ્વારા આપવાના આવેલા બંધના સમર્થનમાં ફતેપુરા સંજેલીના મુસ્લિમ સમાજ પણ જોડાયો હતો. તેઓએ મણીપુરમાં શાંતિ માટે જમા ખાનામાં વિશેષ નમાજ અદા કરી દુઆઓ માંગી હતી.
મણીપુરમાં કુકી આદિવાસી સમાજની મહિલાઓને જાહેરમાં નગ્ન કરી જાહેર માર્ગો પર ફેરવી સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર ભારત જ નહીં વિશ્ર્વભરમાં પડ્યા છે. જેના પગલે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા આદિવાસી સમાજમાં નારાજગીનો દોર આપી જવા પામ્યો હતો અને ગઈકાલે કોંગ્રેસ આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો તેમજ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ગુજરાત બંધના એલાનની પત્રિકાઓ તેમજ જાહેરાત ગઈકાલ સાંજથી દાહોદ જીલ્લામાં સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. જેના પગલે દાહોદ જીલ્લાના સંજેલી, સુખસર બલૈયા, ફતેપુરા, સીંગવડ, ઝાલોદ તેમજ લીમડી સહિતના વિસ્તારોમાં બંધના એલાનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં વેપારીઓએ બંધને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખતા ઉપરોક્ત વિસ્તારો જડબેસલાક સુરક્ષા બંધ રહેવા પામ્યા હતા. તો બીજી તરફ દાહોદ, ગરબાડા, લીમખેડા સહિતના વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં રવિવારે આમ પણ રજાનો દિવસ હોવાથી મોટાભાગની દુકાનો બંધ રહેવા પામી હતી તો કોંગ્રેસ, આમ આદમી તેમજ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા દુકાનો બંધ કરાવવા નીકળતા વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. જોકે, ગરબાડા પંથકમાં રવિવારી હાટ બજાર હોવાથી સવારના સમયે બજારો બંધ જોવા મળ્યા હતા, પરંતુ બપોર બાદ બજારો પુન: ધમધમતા થવા પામ્યા હતા. સાથે સાથે પીપલોદ દેવગઢબારિયા વિસ્તારોમાં બંધના એલાનની કોઈપણ પ્રકારની અસર જોવા મળી નહોતી. બંને તાલુકા મથકો પર રાબેતા મુજબ બજારો ધમધમતા જોવા મળ્યા હતા. જોકે, આ બંધના એલાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી દાહોદ જીલ્લા પોલીસ દ્વારા તમામ તાલુકા મથકો, જાહેર સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે આ બંધના એલાન વચ્ચે કેટલાક તત્વો દ્વારા સિંગવડ તાલુકાના સિંગાપુર ઘાટીમાં હાઇવે ઉપર ટાયરો મૂકી આગચાંપી કરી દેતા લીમડી લીમખેડા હાઇવેનો બંને તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જતા હાઇવે ઉપર વાહનોની કતારો જોવા મળી હતી. આદિવાસી સમાજ દ્વારા આપેલા આ બંધના એલાનમાં બિરસા મુંડા ટ્રસ્ટની સાથે સંજેલી મુસ્લિમ સમાજ દ્વારા સમર્થન આપ્યું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેમજ ફતેપુરામાં મુસ્લિમ સમાજ દ્વારા મણીપુરમાં ફેલાયેલી હિંસાઓ અટકે અને શાંતિ સ્થાપાય તે માટે જમાતખાનામાં નમાજ અદા કરી દુઆઓ માંગી હતી. આમ કોંગ્રેસ,આમ આદમી પાર્ટી,બીટીપી, બીટીટીએસ, સહિતની રાજકીય પક્ષો તથા આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનની ઝાલોદ, ફતેપુરા, સિંગવડ, સંજેલી સહિતના વિસ્તારો ઝડપી સલાખ બંધ રહ્યા હતા તો દાહોદ ગરબાડા લીમખેડા સહિતના વિસ્તારોમાં બંધના એલાને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જ્યારે પીપલોદ બારીયા વિસ્તારમાં બંધની નહિવત અસર જોવા મળી હતી.