મણિપુરમાં થયેલા મહિલા અત્યાચાર મામલે આપવામા આવેલા બંધને શહેરામાં મિશ્ર પ્રતિસાદ

શહેરા,શહેરામાં મણીપુર રાજ્યમાં બનેલી ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા આરોપીને કડક સજા આપો એવા સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે નગર વિસ્તારમાં નીકળ્યા હતા.

મણિપુર રાજ્યમાં મહિલાઓની સામે થયેલા અત્યાચાર, હત્યા અને જાતિ આધારિત હિંસાના વિરોધ સામે ગુજરાતના અનુસુચિ-5ના ક્ષેત્રોમાં બધા તાલુકાઓમાં બંધનું એલાન કરવામા આવ્યુ હતું. જેને લઇને શહેરામાં પણ આદિવાસી અગ્રણીઓ આ બંધના સમર્થનમાં એકત્ર થયા હતા. મણિપુરમા થયેલી ઘટનાને વખોડી કાઢી હતી. ત્યારબાદ તેઓ શહેરા નગરના બસ સ્ટેશન, હોળી ચકલા, મેઈન બજાર, સિંધી માર્કેટ સહિતના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી. નગરના કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. દિવસ દરમિયાન વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખીને ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા. શહેરા ખાતે મણિપુરમાં મહિલાઓ પર થયેલા વિરોધમાં રાખવામા આવેલા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આદિવાસી સમાજના અગ્રણીઓ બસ સ્ટેશન ખાતે એકત્ર થઇને આરોપીને કડક સજા આપો તે સહિત અનેક સૂત્રોચાર કર્યા હતા. શહેરા નગરમાં બંધની સંપૂર્ણ અસર જોવા ન મળવા સાથે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.