મણિપુરમાં મ્યાન્માર સરહદે પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા

ઇમ્ફાલ, મણિપુરમાં મ્યાન્માર સરહદની પાસે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ એક પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી દીધી છે. આ ઘટના તેગનૌપાલ જિલ્લાના મોરેહની છે. અહીં એક ઉપ વિભાગીય પોલીસ અધિકારી (એસડીપીઓ)ની હત્યા કરવામાં આવી છે.શંકાસ્પદ ઉગ્રવાદીએ એ સમયે હુમલો કર્યો હતો કે જ્યારે તે મોરેહના ઇસ્ટર્ન શાઇન સ્કૂલ મેદાનમાં એક હેલીપેડના પ્રસ્તાવિત નિર્માણ સ્થળની દેખરેખ કરી રહ્યાં હતાં.

આ હુમલામાં એસડીપીઓ ચિંગથમ આનંદ કુમાર ઘાયલ થયા હતાં. તેમને સારવાર માટે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. મણિપુર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારીના પેટમાં ગોળી વાગી હતી. વરિષ્ઠ પોલીસ અને અર્ધ સૈનિક અધિકારીઓના નેતૃત્ત્વમાં વધારાના સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓને પકડવા માટે શોધખોળ અભિયાન શરૃ કર્યુ છે.

મોરેહના એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીને ખૂબ જ દૂરથી કોઇ નિષ્ણાત શૂટર અથવા સ્વાઇપર રાઇફલથી ગોળી મારવામાં આવી છે.