ઇમ્ફાલ,મણિપુરમાં આદિવાસી અને બિન-આદિવાસી જૂથો વચ્ચેના ઘર્ષણે હિંસકરૂપ ધારણ કર્યું હતું. રાજ્યના ઈમ્ફાલ, ચુરાચંદપુર અને કાંગપોકપીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ગઈકાલે રાત્રે મણિપુરના આઠ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આગામી પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો છે. વધતી હિંસાને ડામવા માટે સેના અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સેનાએ આજે મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.
હિંસા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં લગભગ ૪,૦૦૦ લોકોને આર્મી કેમ્પ અને સરકારી ઓફિસ સંકુલમાં આશ્રય આપવામાં આવ્યો હતો. મેઇતેઇ સમુદાયનો અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં સમાવેશ કરવાની માંગના વિરોધમાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા બોલાવવામાં આવેલી ‘આદિવાસી એક્તા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુરએ કહ્યું કે મેઇતેઇ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાની માંગ વેગ પકડી રહી છે, જેના વિરોધમાં તેણે કૂચનું આહ્વાન કર્યું છે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની કંપનીઓ મણિપુર મોકલવામાં આવી છે.
મણીપુરથી આવતા ભારતીય મહિલા બોક્સર મેરી કોમે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. મેરી કોમે મોડી રાત્રે લગભગ ૩.૪૫ વાગ્યે ટ્વિટ કર્યું હતું જેમાં લખવામાં આવ્યું છે કે, “મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. મહેરબાની કરીને મદદ કરો.” આ ટ્વીટમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને ટેગ કરીને મણિપુરમાં આગચંપીનો ફોટો શેર કર્યો છે.
રાજ્યની સ્થિતિ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હજારો આંદોલનકારીઓએ રેલીમાં ભાગ લીધો હતો અને ટોરબાંગ વિસ્તારમાં આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા થઈ હોવાના અહેવાલો હતા. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પરિસ્થિતિ તંગ છે, પરંતુ આંદોલનકારીઓ પહાડીઓના જુદા જુદા ભાગોમાં તેમના ઘરે પાછા ફરવાનું શરૂ કરી દીધું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિપુરની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યપ્રધાન એન બિરેન સિંહ સાથે વાત કરી હતી. રેપિડ એક્શન ફોર્સની કંપનીઓ મણિપુર મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા આરએએફના જવાનોને મણિપુર મોકલવામાં આવ્યા છે. આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મણિપુરમાં પહેલેથી મોટી સંખ્યામાં સેના અને અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત છે. ભારતીય સેનાના આસામ રાઈફલ્સના જવાનો મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહ્યા છે. અત્યાર સુધીમાં ૭૫૦૦ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.