ઇમ્ફાલ, મણિપુરમાં અશાંતિ અને મોટા પાયે હિંસા ફેલાવવા માટે સરહદ પારથી મણિપુરમાં હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર આ મહિને જૂન મહિનામાં હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ મ્યાનમાર થઈને મણિપુર પહોંચ્યો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, મણિપુરમાં કાર્યરત કુકી ઉગ્રવાદી જૂથને ત્રણ વાહનોમાં હથિયારોનો મોટો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. એજન્સીઓને શંકા છે કે મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથોને આ શસ્ત્રો મ્યાનમારમાં કાર્યરત ઉગ્રવાદી જૂથ ચિન ડિફેન્સ ફોર્સ પાસેથી મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મ્યાનમાર-ચીન બોર્ડર પર સ્થિત કાળાબજારમાંથી હથિયારો મણિપુર મોકલવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ આતંકવાદી સંગઠનોને તેમના હથિયારો કેન્દ્રીય સુરક્ષા દળો પાસે જમા કરાવવા માટે કહ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ એમ પણ કહ્યું હતું કે જે લોકોએ સમયમર્યાદા પૂરી થયા પછી ગેરકાયદેસર હથિયારો જમા કરાવ્યા નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૩ જૂનથી અત્યાર સુધીમાં સુરક્ષા દળો પાસેથી લૂંટાયેલા લગભગ ૨૦૦૦ હથિયારો જમા કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે મણિપુરમાં ૩૬,૦૦૦ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે વિદ્રોહી સંગઠનો મણિપુરમાં શસ્ત્રો મોકલવા માટે ભારત-મ્યાનમારની ખુલ્લી સરહદ દ્વારા શસ્ત્રોનું પરિવહન કરી રહ્યાં છે. જોકે, મણિપુરમાં હિંસા રોકવા માટે આસામ રાઈફલ્સને સરહદ પર એલર્ટ કરી દેવામાં આવી છે અને ભારત-મ્યાનમારની ખુલ્લી સરહદ પર સતત નજર રાખવામાં આવી રહી છે.