મણિપુરમાં ફરી હિંસા ભડકી, ચુરચાંદપુરમાં બે જૂથ વચ્ચે ગોળીબાર, સુરક્ષાદળો તૈનાત

મણિપુરમાં બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલી હિંસા ખતમ થવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં ચુરચાંદપુરમાં નવી હિંસાના સમાચાર છે. અહીં બે સમુદાયો વચ્ચે અથડામણ દરમિયાન ભીષણ ગોળીબારની ઘટના બની હતી. ફાયરિંગ બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને ત્યાં શાંતિ જાળવવા માટે સુરક્ષાદળોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં બે સમુદાયો વચ્ચે આ વિસ્તારમાંથી હિંસા શરૂ થઈ હતી. મણિપુરમાં ચુરચાંદપુર હિંસાનું મુખ્ય કેન્દ્ર છે. ત્યારે રાજધાની દિલ્હીમાં હિંસા વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શનો થઈ રહ્યા છે. બીજી તરફ મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી જાતિ હિંસા અને મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં રવિવારે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધનું આયોજન કરવામાં આવશે.

પૂર્વોત્તર રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવામાં રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાના વિરોધમાં કોંગ્રેસે બંધને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. ગુજરાતના આદિવાસી બહુલ જિલ્લાઓમાં આદિવાસી એકતા મંચ સહિત અનેક આદિવાસી સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને શુક્રવારે ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ મામલે વિરોધ વચ્ચે શુક્રવારે 11 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

સંસદના ચોમાસુ સત્રમાં શુક્રવારે સતત બીજા દિવસે પણ આ મુદ્દો ગુંજ્યો અને વિપક્ષી સભ્યો દ્વારા આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન અને ચર્ચાની માગણી કરતા ભારે હોબાળો થયો, જેના કારણે સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં એક પણ વિધાનસભાનું કામ થઈ શક્યું નહીં. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર આ મામલે ચર્ચા કરવા તૈયાર છે.

નોંધનીય છેકે આ અગાઉ આ કેસના જ ચાર આરોપી પોલીસના હાથમાં આવી ગયા હતા. જે ચારેય આરોપીઓને 11 દિવસની પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે. 19 જુલાઇના રોજ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ ધરપકડ આરંભી છે. ત્યારે બીજી તરફ નારાજ અને આક્રોષથી ભરેલા લોકોએ આ કેસના મુખ્ય આરોપીના ઘરે આગ લગાડી દીધી છે. આ દરમિયાન આસપાસના વિસ્તારની મહિલાઓ જ સામેલ હોવાનું ખુલ્યું છે. તમને જણાવી દઇએ કે, આગ આરોપીના સમુદાયના લોકોએ જ લગાવી હતી. અને, આરોપી મેઇતેઇ સમુદાયનો હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અહીં સૌથી શરમજનક વાત એ કહી શકાય કે હિંસક ટોળા દ્વારા અત્યાચાર ગુજારવામાં આવેલી બે મહિલા પૈકી એક મહિલાનો પતિ ભારતીય સેનામાં ફરજ બજાવી ચુક્યો છે. આ કેસમાં નોંધાયેલ FIRમાં એવો પણ દાવો થયો હતો કે લોકોના હિંસક ટોળાએ પીડિતાના ભાઈની પણ હત્યા કરી હતી, મહિલાનો ભાઇ તેને ટોળા દ્વારા દુષ્કર્મથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.