મણિપુર હેવાનિયત: અમારી સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવ્યો, પોલીસે પણ ના સાંભળ્યુ’ : ગ્રામ પ્રધાન

ઇમ્ફાલ, મણિપુરમાં ૪ મેના રોજ બનેલી એક આઘાતજનક ઘટનાનો વીડિયો ૧૯ જુલાઈના રોજ સામે આવ્યો હતો, જેમાં એક સમુદાયની મહિલાઓને નગ્ન કરીને બીજા સમુદાયના પુરુષો દ્વારા રસ્તા પર પરેડ કરાવવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભયંકર ગુસ્સાનુ વાતાવરણ છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને ૬૫ વર્ષીય ગામ પ્રધાન થંગબોઈ વાઈફેઈએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.તેમના જણાવ્યા અનુસાર, જ્યારે મણિપુરના કાંગપોકપી જિલ્લાના એક નાના ગામમાં ૪ મેના રોજ આ ઘટના બની ત્યારે પોલીસે તેને ગંભીરતાથી લીધી ન હતી.તેમણે જણાવ્યું કે ઘટના બાદ પીડિતો અને અન્ય રહેવાસીઓને જંગલોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને તેમની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ટોળા દ્વારા ગામની મહિલાઓને જાહેરમાં રસ્તા પર નગ્ન અવસ્થામાં ફરવા મજબૂર કરવાના મામલામાં સૈકુલ પોલીસે ગ્રામ પ્રધાન વૈફેઈની તહરિર પર પ્રથમ રિપોર્ટ(એફઆઈઆર) નોંધ્યો હતો. થંગબોઈ વૈઈફેઈએ તહરિરમાં આરોપ મૂક્યો હતો કે ગામને મેઈતેઈ સમુદાયના ટોળાએ લૂંટી લીધું હતું, ત્યારબાદ તેમણે તેના સંબંધીઓ અને ગ્રામજનો સાથે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. પરંતુ આ ઘાતકી ગુના પછી પણ તેમની દુર્દશાનો અંત આવ્યો નથી.

તેમણે આરોપ લગાવ્યો કે ત્રણ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ૨ મહિલાઓને જાહેરમાં રોડ પર નગ્ન અવસ્થામાં પરેડ કરવામાં આવી હતી. આમાંથી એક ૧૯-૨૦ વર્ષની પીડિતા પર સામૂહિક બળાત્કાર થયો હતો. જ્યારે તેના ભાઈએ તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ માર્યો ગયો.

ગ્રામ પ્રધાને જણાવ્યું કે ગામમાં અમારું ઘર હતુ પરંતુ અમારી સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. જ્યારે ૩ મેના રોજ મણિપુરના ચુરાચંદપુર શહેરમાં જ્ઞાતિ અથડામણો ફાટી નીકળી હતી, ત્યારે વૈઈફેઈને ખબર હતી કે હિંસા ટૂંક સમયમાં તેમના ઘર સુધી પહોંચશે. તેમણે જણાવ્યું કે બીજા દિવસે જ્યારે ટોળાએ ગામમાં હુમલો કર્યો અને ઘરોમાં તોડફોડ કરી, ત્યારે વૈઈફેએ સ્થાનિક પોલીસ સ્ટેશનને વારંવાર ફોન કર્યા. પરંતુ કોઈ ફાયદો ના થયો. ૨૦૦૭માં આસામ રેજિમેન્ટના જેસીઓ ૬૫ વર્ષીય વૈઈફેઈએ એચટીને જણાવ્યું હતું કે જ્યારે ૩ મેના રોજ ચુરાચંદપુરમાં હિંસાની પ્રથમ ઘટના બની ત્યારે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, પરંતુ ૪ મેના રોજ અમે તેમને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે તે નહિ આવી શકે કારણ કે તેમને પહેલા પોલીસ સ્ટેશનને બચાવવાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે ૩ મેના રોજ ટોળું હથિયારો સાથે ગામમાં ઘુસી ગયું હતું. જ્યારે હિંસક ટોળાએ મિલક્તની તોડફોડ કરી અને ચર્ચ અને ઘરોને આગ લગાડી, ત્યારે ત્રણ મહિલાઓ અન્ય રહેવાસીઓ સાથે ગામમાંથી જંગલો અને ટેકરીઓ તરફ ભાગી ગઈ. આ દરમિયાન ગ્રામજનોએ પહાડો પરના જંગલોમાં આશ્રય લીધો હતો.રિપોર્ટ્સ અનુસાર, હુમલાનો વીડિયો, જેમાં પુરૂષો મહિલાઓની છેડતી કરતી વખતે અને તાળીઓ પાડતા જોવા મળે છે, બુધવારે વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો અને વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના નેતૃત્વમાં તમામ પક્ષોએ તેની નિંદા કરી હતી.