ઇમ્ફાલ, દેશના પૂર્વોત્તરમાં આવેલા રાજ્ય મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. હિંસાની આગે અનેક યુવાનોને પણ લપેટમાં લીધા છે. એક સમયે કુદરતી સૌંદર્ય માટે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર રહેલું કંગવાઈ પણ હિંસામાં સપડાયું છે. ચુરાચંદપુર જિલ્લાના તેઇબાંગ તાલુકાનું આ ગામ રાજધાની ઇમ્ફાલથી 55 કિમી દૂર આવેલું છે. અહીં રહેતા 32 વર્ષીય જુઆન વેઈફાઈ હથિયારોથી સજ્જ છે. કુકી સશસ્ત્ર દળનો સભ્ય વેઈફાઈ મોટા ભાગનો સમય રેતીની થેલીઓથી બનેલા બંકરમાં વિતાવે છે. તેની આંગળી હંમેશા બંદૂકના ટ્રિગર પર હોય છે. તે 100 યાર્ડના અંતરે દુશ્મન (મેઇતેઈ) ને જવાબ આપવા માટે તૈયાર છે.
વેઈફાઈનું કહેવું છે કે સામે પક્ષે મેઈતેઈને જવાબ આપવા માટે અમે હંમેશા તૈયાર છીએ. અમે કોઇ પણ હાલતમાં લડવા માટે તૈયાર છીએ. બંને જૂથના હજારો યુવાનો હથિયારો સાથે એકબીજા સામે લડવા માટે મોરચો ખોલ્યો છે. એક જેઓ પહાડી આદિવાસીઓ છે અને બીજા જેઓ મેદાની વિસ્તારના છે.બે મહિના પહેલાં જુઆન યુવાનોને અર્થશાસ્ત્ર શીખવતો હતો. જ્યારે હિંસા શરૂ થઈ ત્યારે સેનાના ઘણા જવાનો મોકલવામાં આવ્યા હતા પરંતુ હિંસા એટલી વધી ગઈ હતી કે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. રાજ્યમાં બે સશસ્ત્ર દળોની રચના કરવામાં આવી. હિંસાએ રાજ્યની તમામ સુખ-શાંતિ છીનવી લીધી.
4 જૂનના રોજ ઇમ્ફાલથી 17 કિમી દૂર મેઈતેઈના ફાયેંગ ગામમાં લોકોએ પૂર્વ સૈનિક એ. રમેશસિંહના ઘરમાં આગ લગાવી હતી. રમેશસિંહને ડર હતો કે કુકીના લોકો તેના ગામ પર હુમલો કરી શકે છે, તેથી તે પોતાની લાઇસન્સવાળી બંદૂક સાથે ગામમાં પેટ્રોલિંગ કરતો હતો. રમેશસિંહના પુત્ર રોબર્ટ સિંહે જણાવ્યું કે એક રાત્રે કુકી લોકોનાં ટોળાંએ ગામ પર હુમલો કર્યો. હુમલામાં તેના પિતા રમેશને પગમાં ગોળી વાગી હતી. તે પછી હુમલાખોરો પહાડો પર ખેંચી ગયા હતા. રોબર્ટે જણાવ્યું કે ગામલોકોને બીજા દિવસે શોધમાં તેના પિતાનો મૃતદેહ મળ્યો હતો. તેમના માથામાં ગોળી હતી.
મણિપુરમાં થયેલી હિંસાએ જવાનોને પણ વિભાજિત કરી દીધા છે. રાજ્યના પોલીસ કર્મચારીઓ પણ હથિયારો સાથે પોતપોતાના સમુદાયનાં સંગઠનો સાથે જોડાઇ ગયા હતા. તેમાંથી ઘણાએ સ્નાઈપર્સ, લાઇટ મશીનગન અને મોર્ટાર જેવાં અત્યાધુનિક શસ્ત્રો પણ લઈ ગયાં હતાં. ગૃહમંત્રી અમિત શાહે મે મહિનામાં મણિપુરની મુલાકાત લીધી હતી અને બંને સમુદાયના લોકો સાથે ચર્ચા કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. સેનાના ટોચના અધિકારી જનરલ અનિલ ચૌહાણે મે મહિનામાં કહ્યું હતું કે મણિપુરને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી તે માત્ર બે જાતિઓ વચ્ચેની અથડામણ હતી.
કુકી આદિવાસી જૂથ અને બહુમતી ધરાવતું મેઈતેઈ સંગઠનો વચ્ચે મેની શરૂઆતમાં તણાવ શરૂ થયો હતો. જ્યારે મેઈતેઈ લોકોએ માંગ કરી હતી કે તેમને પર્વતોની જંગલની જમીન પરના અધિકારો અને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત મળવી જોઈએ.
રાજ્યમાં મેઈતેઈ લગભગ 55% છે તેમાંથી મોટા ભાગના લોકો ઇમ્ફાલ ખીણમાં રહે છે. એસટીનો દરજ્જો મળવાથી પહાડી વિસ્તારોમાં તેમનો વ્યાપ વધશે. 35% વસતી કુકીની છે. તેમાંથી મોટા ભાગના પર્વતોમાં રહે છે. 10% નગાઓ અને અન્ય આદિવાસી કુકી જૂથો સાથે સંકળાયેલાં છે. આદિવાસી જૂથોને ડર છે કે જો મેઈતેઈને વિશેષ દરજ્જો મળશે તો તેઓ પહાડીઓમાં પોતાનો હક જમાવશે.
મેઈતેઈ, કુકી અને નગા અલગ સંસ્કૃતિ અને પરંપરાઓ ધરાવે છે. તેઓ જમીન, સંસાધનો અને રાજકીય સર્વોપરિતા માટે સ્પર્ધા કરે છે. વિવાદના મૂળમાં ટેકરી વિરુદ્ધ ખીણની ઓળખનો સંઘર્ષ અને અસમાન વિકાસ છે. મેઈતેઈ રાજકીય રીતે પ્રભાવશાળી સમુદાય છે, રાજ્યનો વિકાસ ખીણ સુધી મર્યાદિત છે. જેમાં મેઈતેઈનું વર્ચસ્વ છે. સરકારી નોકરીઓ પણ અહીં છે, પરંતુ અહીંના કાયદાને કારણે આ સમુદાયને પહાડોમાં જમીન ખરીદવાની મનાઈ છે.
2021માં મ્યાનમારમાં લશ્કરી બળવાને પગલે ઘણા શરણાર્થીઓના ધસારાને કારણે વંશીય વિભાજન વધુ ગંભીર બન્યું છે. શરણાર્થીઓનો મણિપુરના કુકી લોકો સાથે સંબંધ છે, જેના કારણે મેઈતેઈ અને નગા લોકોમાં ડર છે કે શરણાર્થીઓનો ધસારો કુકીની વસ્તીમાં ઝડપથી વધારો કરશે. મણિપુર મ્યાનમાર સાથે 350 કિમી સરહદ ધરાવે છે. જેમાંથી મોટા ભાગને ફેન્સિંગ નથી, જેના કારણે ઘૂસણખોરીમાં વધારો થશે.