નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણીપુરની ઘટના પર તીવ્ર પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આ ઘટનાથી મારુ હૃદય અત્યંત પીડા તથા આક્રોશ તથા ક્રોધ અનુભવે છે. માતાઓ અને બહેનોની રક્ષા માટે કઠોર કદમ ઉઠાવવામાં આવશે. શ્રી મોદીએ આજે સંસદનાં ચોમાસુ સત્રના પ્રારંભે પત્રકારો સાથેની વાતચીતમાં મણીપુરની ઘટનાને શમદા કરનારી ગણાવી હતી અને કહ્યું હતું કે હું વિશ્ર્વાસ અપાવવા માંગુ છું કે કોઈને પણ છોડાશે નહી બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મણીપુરના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને ઘટનાની માહિતી માંગી હતી.
દરમિયાન મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવવાની ઘટનાના દેશભરમાં પડઘા પડયા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે આ ઘટનાને અસ્વીકાર્ય હોવાનું જણાવીને સ્પષ્ટ કહ્યું હતું કે અમે સરકારને પગલા લેવા સમય આપીએ છીએ નહીતર અમે પગલા લેશું. સર્વોચ્ચ અદાલતે આ અંગે સીઓમોટો કરી આગામી શુક્રવારે સુનાવણી રાખી છે.