મણિપુરમાં ફરી હિંસા : સેના-હથિયારધારી લોકો વચ્ચે ફાયરિંગ, બોંબ ફેકાયા

  • ભીડનો આશ્રય સ્થાનો પર હુમલો કરવાનો પ્રયાસ

મણિપુરમાં અશાંતિનો માહોલ હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે… રાજ્યમાં આજે ફરી હિંસાની ઘટના બની હોવાના અહેવાલો મળ્યા છે… અધિકારીઓના જણાવ્યા મુજબ મણિપુરના તેંગનોઉપલ જિલ્લાના પલ્લેલ વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને હથિયારધારી લોકો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો છે… ફાયરિંગની ઘટના સવારે 6.00 વાગ્યાથી શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલુ હોવાનું કહેવાય છે… અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં હજુ કોઈપણ મોટી ઘટના બની હોવાના અહેવાલો મળ્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ આસામ રાઈફલ્સ, શંકાસ્પદ મૈતેઈ અને કુકી બદમાશો વચ્ચે ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. મળતા અહેવાલો મુજબ ગોળીબારની સાથે બોંબ પણ ફેંકવામાં આવી રહ્યા છે… આસામ રાઈફલ્સના જવાનો બદમાશોને વળતો જવાબ આપી રહ્યા છે.

ફાયરિંગની ઘટના વચ્ચે મોનલોઈ, પલ્લેલ વિસ્તારની આસપાસના ગામોના મોટી સંખ્યામાં કુકી ગ્રામીણ લોકોએ ગ્રામીણ બીએસએફના નેમખોચિન મેમોરિયલ સ્કૂલ, પલ્લેલ તેંગનૌપાલ જિલ્લાના સીએચક્યૂ સ્થળે પહોંચ્યા, જ્યાં 250થી વધુ લોકોને આસરો લઈ રહ્યા છે. આ ભીડે આશ્રય કેમ્પો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. બીએસએફ જવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં ભીડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો… આસરો લઈ રહેલા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી અંતે બીએસએફ જવાનોએ ભીડ પર ફાયરિંગ કરવું પડ્યું… હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલો સાંપડ્યા નથી.

અગાઉ બિષ્ણુપુર જિલ્લાના ફૌગાક્ચાઓ ઈખાઈ વિસ્તારમાં બુધવારે હજારો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને તેઓ સેનાનો બળપૂર્વક વિરોધ કરી રહ્યા હતા… પ્રદર્શનકારીઓ પોતાના તોરબુંગમાં વિરાન ઘરો સુધી પહોંચવા માટે સેનાની બેરીકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, નાકાબંધીના કારણે તેઓ તેમના પોતાના ઘરે પરત ફરી શકતા નથી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ બેરીકેટ્સ પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે સેના અને પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટનાના બે દિવસ બાદ એટલે કે આજે આ ફાયરિંગની ઘટના સામે આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્તારમાં તણાવની સ્થિતિ છે અને રેપિડ એક્શન ફોર્સ (RAF), આસામ રાઈફલ્સ, સુરક્ષા દળો અને મણિપુર પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા ટિયર ગેસના સેલ પણ છોડ્યા… આ પ્રદર્શનના એક દિવસ પહેલા સાવધાનીના ભાગરૂપે મણિપુરની તમામ 5 ખીણમાં સંપૂર્ણ કર્ફ્યૂ લગાવી દેવાયો હતો. આસામ રાઉફલ્સના જવાનો પણ બદમાશોને વળતો જવાબ આપી રહ્યા છે. 

કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઈન્ટીગ્રિટી (COCOMI)એ દેખાવકારોને ભડકાવ્યા હતા, જેના કારણે તેઓ બેરીકેટ્સ તોડવા પર ઉતરી આવ્યા હતા. દેખાવકારો બિષ્ણુપુર જિલ્લામાં એકઠા થયા હતા અને તેમને ચુરાચાંદપુર તરફ મોકલવા માંગ કરી રહ્યા હતા… દરમિયાન 30 ઓગસ્ટ સુધીમાં બેરીકેટ્સ હટાવી લેવા સંબંધીત વિનંતી પર ધ્યાન આપ્યું ન હોવાના કારણે COCOMIએ દેખાવકારોને બેરીકેટ્સ મુદ્દે ભડકાવ્યા હતા. રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાના ભંગની આશંકાને પગલે મંગળવારે ખીણના 5 જિલ્લાઓમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ કર્ફ્યુ લાદી દીધો હતો.

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 152 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.