- ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હોવાનો લોકોનો દાવો
મણિપુરના ઇમ્ફાલ પશ્ર્ચિમ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા હતા. મહિલાની ૮ વર્ષની પુત્રી અને એક પોલીસ અધિકારી સહિત નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહાડીના ઉપરના વિસ્તારોમાંથી કોટરુક અને કડાંગબંદ ઘાટીના નીચલા વિસ્તારો તરફ ગોળીબાર કર્યો અને ડ્રોનથી પણ હુમલો કર્યો.
આ અચાનક થયેલા હુમલાને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો સલામત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી. રિપોર્ટ્સ અનુસાર, ઘાયલ થયેલા ૯ લોકોમાંથી ૫ને ગોળી વાગી હતી, જ્યારે બાકીના લોકોને બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે હુમલામાં ડ્રોન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બીજેપીના પ્રવક્તા ટી માઈકલ એલ હોકીપના ઘરને પેનિયલમાં આગ લગાડવામાં આવી હતી. એક્સ પર વિડિયો શેર કરતી વખતે હાઓકિપે આરોપ લગાવ્યો છે કે આ કુકી લોકોનું કામ છે.હાઓકિપે કહ્યું કે એક વર્ષમાં ત્રીજી વખત તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો. ગયા અઠવાડિયે પણ ૩૦થી વધુ સશ લોકોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ૧૦ દિવસમાં હાઓકીપના ઘર પર આ બીજો હુમલો છે. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
કુકી-જો સમુદાયના લોકોએ ૩૧ ઓગસ્ટના રોજ મણિપુરના ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલમાં રેલીઓ કાઢી હતી. આ સંગઠનોની માગ છે કે મણિપુરમાં એક અલગ કુકિલેન્ડ બનાવવામાં આવે, જે એક કેન્દ્રશાસિત પ્રદેશ હોવો જોઈએ.આ સંગઠનોનું કહેવું છે કે પુડુચેરીની તર્જ પર વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો એ જ રાજ્યને જાતિ સંઘર્ષમાંથી બહાર કાઢવાનો એકમાત્ર રસ્તો છે.
મણિપુરમાં નીકળેલી રેલીઓમાં સીએમ બિરેન સિંહે ઈન્ટરવ્યુનો વિરોધ કરવામાં આવ્યો હતો.ઈન્ટરવ્યુમાં, મુખ્યમંત્રીએ અલગ વહીવટ (કુકીલેન્ડ) માટે કુકી જૂથોની માંગને નકારી કાઢી હતી. સીએમ બિરેને કહ્યું કે તેઓ રાજ્યની ઓળખને નબળી નહીં થવા દે. બિરેન મૈતેઈ સમુદાયમાંથી આવે છે. કુકીઓ જ્યાં રહે છે તે વિસ્તાર માટે વિશેષ વિકાસ પેકેજ આપવાની ખાતરી આપી છે.
આ સિવાય સીએમ બિરેનના વધુ એક વાયરલ ઓડિયોને લઈને હોબાળો મચી ગયો છે. આ ઓડિયો સીએમ બિરેન સિંહને આભારી છે. ઓડિયોમાં મણિપુરમાં મે ૨૦૨૩થી ચાલી રહેલી હિંસા પર વાંધાજનક ટિપ્પણીઓ સંભળાય છે.જોકે, મણિપુર સરકારનું કહેવું છે કે ઓડિયો ક્લિપમાં મુખ્યમંત્રીના અવાજ સાથે છેડછાડ કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત રાજ્યમાં શાંતિની પહેલને પાટા પરથી ઉતારવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
મણિપુરમાં ૩ મે, ૨૦૨૩ થી કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે અનામતને લઈને હિંસા ચાલી રહી છે. સરકારી આંકડાઓ અનુસાર હિંસાને કારણે અત્યાર સુધીમાં ૨૨૬ લોકોના મોત થયા છે. જ્યારે ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ૬૫ હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.