
ઇમ્ફાલ,
મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું નામ લેતી નથી. આ રાજ્યમાં ૩૫ હજારથી વધુ સૈનિકો તૈનાત કરાયા હોવા છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે અને નિયમિત અંતરે ગોળીબારના અવાજ સંભળાય છે. ત્યારે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના ૩ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. જ્યારે ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં આગચંપી કરી છે. જે બાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો છે.
બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર, મૈતેઈ સમુદાયના ૩ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઈ વિસ્તારમાં ઘુસ્યા હતા, આ તમામે મૈતેઈ વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. ગુરુવારે પણ મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. બિષ્ણુપુર જિલ્લામાં ગુરુવારે ટોળાએ બે ચોકીઓમાં તોડફોડ કરી હતી, આ દરમિયાન ઓટોમેટિક બંદૂકો સહિત હથિયારો અને દારૂગોળો લૂંટી લેવામાં આવ્યો હતો.
મણિપુર પોલીસના જણઆવ્યા અનુસાર, પુરુષો અને મહિલાઓના ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં મણિપુર સશ પોલીસની બીજી બટાલિયાની કેરેનફાબી અને થંગલવઈ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી અને હથિયારો લૂંટી લીધા હતા. ટોળાએ હેનગાંગ અને સિંગજામેઈ પોલીસ સ્ટેશનમાંથી પણ હથિયારો અને દારૂગોળો કબજે કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
આ દરમિયાન સુરક્ષા દળો અને ઉપદ્રવિયોની વચ્ચે ફાયરિંગ પણ થયું હતું, જેમાં કેટલાક સુરક્ષકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ ઉપદ્રવિયોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને ટિયર ગેસ પણ છોડ્યો હતો.
મણિપુરમાં ૩ મેના રોજ સૌથી પહેલા જાતિય હિંસાની શરૂઆત થઈ હતી. મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી)માં સામેલ કરવાની માંગણીના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ’આદિવાસી એકજૂથતા માર્ચ’ આયોજિત કરાઈ હતી. ત્યારે પહેલીવાર મણિપુરમાં જાતીય ઘર્ષણ થયું. હિંસામાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોના જીવ ગયા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આપને જણાવી દઈએ કે, મણિપુરમાં મૈતેઈ સમુદાયની સંખ્યા લગભગ ૫૩ ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. કુકી સમુદાયની વસ્તી ૪૦ ટકાથી વધુ છે અને તેઓ પહાડી જિલ્લામાં રહે છે.-