મણિપુરમાં બદમાશોના ૧૨ બંકર નષ્ટ, હિંસા ભડકાવતા ૧૩૫ની ધરપકડ

ઇમ્ફાલ, મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને હવે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ સ્થિતિ હજુ પણ તેમની તેમ જ છે. હજુ પણ ઘણા વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. તાજેતરમાં એક મંત્રીના ગોડાઉનમાં કેટલાક ઉગ્રવાદીઓ દ્વારા આગ લાગાવવામાં આવી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં ૨-૩ દિવસ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરક્ષા દળો બદમાશોને કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ પ્રયાસ હેઠળ,મોડી રાત સુધીમાં સુરક્ષા દળોએ બદમાશોના ૧૨ બંકરો નષ્ટ કર્યા હતા. અપરાધીઓએ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં આ બંકરો બનાવ્યા હતા. આ બાબતે એક નિવેદન જાહેર કરીને મણિપુર પોલીસે કહ્યું કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળે સંયુક્ત રીતે તામેનલોંગ, પૂર્વ ઇમ્ફાલ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશન મુજબ બદમાશોના ૧૨ બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા.

સર્ચ ઓપરેશન દરમિયાન સાહુમફાઈ ગામના ડાંગરના ખેતરમાંથી પોલીસના જવાનોને ત્રણ ૫૧ એમએમ મોર્ટાર અને ત્રણ ૮૪ એમએમ મોર્ટાર શેલ મળી આવ્યા હતા. આ ઉપરાંત કાંગવાઈ અને એસ કોટલિયા ગામની વચ્ચે ડાંગરના ખેતરમાંથી પણ એક આઈઈડી મળી આવ્યો છે.

હિંસા બાદથી મણિપુરની સ્થિતિ તંગ છે ત્યારે ગઈકાલના ઓપરેશન પહેલા પોલીસના જણાવ્યા અનુસાર કર્ફ્યુ ઉલ્લંઘન, ચોરી અને આગચંપીના મામલામાં ૧૩૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં ૧૧૦૦ હથિયાર, ૧૩૭૦૨ દારૂગોળો, ૨૫૦ વિવિધ પ્રકારના બોમ્બ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૦૦ હથિયાર, ૧૩૭૦૨ દારૂગોળો અને વિવિધ પ્રકારના ૨૫૦ બોમ્બ મળી આવ્યા છે. હાલમાં અનેક વિસ્તારોમાં લેગ માર્ચ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિ તંગ છે પરંતુ કેટલીક જગ્યાએ સ્થિતિ નિયંત્રણમાં છે. કેટલીક જગ્યાએ છૂટાછવાયા બનાવો બન્યા છે પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે.

પોલીસે પણ સામાન્ય લોકોને રાજ્યમાં શાંતિ પુન:સ્થાપિત કરવામાં સહકાર આપવા અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે મણિપુરને લઈને અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, પહેલા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ નંબર ૯૨૩૩૫૨૨૮૨૨ પર ફોન કરીને કોઈપણ સમાચારની ચકાસણી કરો. જો તેની સાથે કોઈ હથિયાર અને દારૂગોળો મળી આવે, તો તેને તરત જ પોલીસને પરત કરો.