ઇમ્ફાલ, મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં મૈતેઇ સમુદાયની મહિલાઓએ આસામ રાઇફલ્સ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. મણિપુરમાં સ્થાનિક પોલીસ અને આસામ રાઈફલ્સ સામસામે આવી ગયા છે. બંને વચ્ચે તકરાર વધી ગઈ છે. બંને વચ્ચેની ચર્ચાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ દરમિયાન, રાજ્યના એડીજીએ બિષ્ણુપુર જિલ્લામાં મોઇરાંગ લમખાઈ ચોકી પરથી આસામ રાઈફલ્સને પાછી ખેંચી લેવા અને તેની જગ્યાએ પોલીસ અને સીઆરપીએફને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું મૈતેઈ મહિલા સંગઠન માઈરા પાઈબિસ દ્વારા આસામ રાઈફલ્સને હટાવવાની માંગણીના વિરોધને પગલે છે.સંગઠનનો આરોપ છે કે આસામ રાઈફલ્સ કુકી સમુદાયની તરફેણ કરી રહી છે. મૈતેઈ સમુદાયની માંગને મણિપુરના ભાજપના ધારાસભ્યનું સમર્થન પણ મળી રહ્યું છે.
૫ ઓગસ્ટે, પોલીસે કુકી વિદ્રોહીઓ સામેના ઓપરેશનમાં અવરોધ ઉભો કરવા બદલ આસામ રાઈફલ્સના જવાનો વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. આ અંગે આસામ રાઇફલ્સે કહ્યું છે કે તેણે સેનાના કમાન્ડ હેડક્વાર્ટરના નિર્દેશોનું પાલન કર્યું હતું. આસામ રાઇફલ્સે કહ્યું કે તેમને બફર ઝોનની માર્ગદર્શિકા જાળવવા સૂચનાઓ મળી છે, જેથી બે સમુદાયો વચ્ચેના સંઘર્ષને અટકાવી શકાય. આસામ રાઈફલ્સનું એમ પણ કહેવું છે કે તેને બીજી ઘટનાને લઈને નિશાન બનાવવામાં આવી રહી છે, જ્યારે આર્મી ઈન્ફન્ટ્રી બટાલિયન ત્યાં તૈનાત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મૈતેઈ લોકોને રોકવાના કારણે આસામ રાઈફલ્સને કુકી હુમલાખોરોના સમર્થકો તરીકે નિશાન બનાવવામાં આવી રહી છે. આસામ રાઇફલ્સનો કેમ્પ પહાડી વિસ્તારમાં કુકી-જો-સંગઠનોના ઠેકાણાઓની નજીક છે. તેમના પર સોશિયલ મીડિયા પર બતાવવામાં આવેલી બંને વચ્ચેની મિલીભગતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
મણિપુરમાં ૫ ઓગસ્ટે સુરક્ષા દળો અને મૈતેઈ સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. હિંસક અથડામણ ટેરાખોંગસાંગબી કાંગવે અને થોરબુંગ ખાતે થઈ હતી. આ વિસ્તાર કુકી-મૈતેઈ વચ્ચેની સરહદ છે, જેને બફર ઝોન કહેવામાં આવે છે. હુમલાખોરો બફર ઝોન પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે સુરક્ષા દળોએ રોક્યા ત્યારે તેમની વચ્ચે અથડામણ થઈ હતી.
આ દરમિયાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરવી પડી. ત્રણ લોકોના મોત બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. થોરબાંગ વિસ્તારમાં પર્વતો પરથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોર્ટારથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી ભીડે ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા. બુધવારે, મણિપુરના સ્વદેશી આદિજાતિ નેતાઓ ફોરમનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યું. બેઠક પછી, આ મંચના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે જેથી સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરી શકાય.
આઇટીએલએફે પણ માહિતી આપી હતી કે તેઓ હિંસામાં માર્યા ગયેલા કુકી-જો સમુદાયના મૃતદેહોને દફનાવવા માટે ટૂંક સમયમાં અન્ય સ્થળ નક્કી કરશે. મૃતકોના મૃતદેહોને ૩ ઓગસ્ટે દફનાવવામાં આવનાર હતા, પરંતુ ગૃહમંત્રીએ મૃતદેહોને અન્ય કોઈ જગ્યાએ દફનાવવાની અપીલ કરી હતી. ખરેખરમાં, ગયા અઠવાડિયે, મૈતેઇ જૂથના લોકોએ કુકી-જો સમુદાયના મૃતદેહોને દફનાવવાનો વિરોધ કર્યો હતો. મેૈતેઇ લોકોએ મૃતકોના દફન કરવાની જગ્યા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તમામ મૃતદેહોને ચુરાચાંદપુરમાં જ દફનાવવામાં આવે. આ પછી ગૃહ મંત્રાલયે દરમિયાનગીરી કરી અને દફનવિધિ મોકૂફ રાખવામાં આવી.