મણિપુરમાં બે મહિલા પરનો ગેંગરેપ ભયાનક અને ચોંકાવનારોે : યુએસએ

વોશિંગ્ટન, મણિપુરમાં બે મહિલાઓ પર ગેંગ રેપ કરીને નગ્ન પરેડ કરવાની ઘટનાના પડઘા વિદેશમાં પણ પડ્યા છે. અમેરિકાએ પણ આ ઘટનાને ભયાનક અને ચોંકાવનારી ગણાવીને ટીકા કરી છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, આ વીડિયો જોઇને અમે સ્તબ્ધ છીએ. અમે પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમને ન્યાય અપાવવા માટે ભારત સરકારના પ્રયાસોનું સમર્થન કરીએ છીએ.

વેદાંત પટેલે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ પણ સભ્ય સમાજમાં મહિલાઓ સાથેનો આ પ્રકારનો વ્યવહાર શરમજનક છે. અમે પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે મણિપુર મામલામાં અમે શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છીએ અને આશા રાખીએ છીએ કે દરેક સમુદાયના લોકોની અને તેમની સંપત્તિની સુરક્ષા કરવામાં આવશે.અગાઉ, ભારત સ્થિત અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો છે. ૬ જુલાઈએ તેમણે કહ્યું હતું કે જો ભારત મદદ માંગે તો અમે એ માટે તૈયાર છીએ. અમે જાણીએ છીએ કે આ ભારતનો આંતરિક મામલો છે, અમે જલદી શાંતિની આશા રાખીએ છીએ. મણિપુરની પરિસ્થિતિ પર અમને કોઈ વ્યૂહાત્મક ચિંતા નથી, ફક્ત લોકોની ચિંતા છે.