ઇમ્ફાલ, મણિપુરમાં લગભગ બે અઠવાડિયા પછી પણ હિંસા અટકી રહી નથી. મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કુકી સમુદાય દ્વારા રેલી યોજાઈ હતી ત્યારે આ હિંસા શરૂ થઈ હતી આ દરમિયાન, શંકાસ્પદ ઉગ્રવાદીઓએ વિવિધ સ્થળોએ ૧૦ ઘરો અને બે ટ્રકોને આગ ચાંપી દીધી હતી.
સૂત્રોએ જણાવ્યું કે જે ઘરોને આગ લગાડવામાં આવી હતી તે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર જિલ્લાના તોરબુંગ ગામનું છે. આ ગામ તાજેતરની હિંસાનું કેન્દ્ર હતું જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. હાલમાં હિંસા એવા સમયે થઈ રહી છે જ્યારે રાજ્યમાં મોટી સંખ્યામાં અર્ધ-લશ્કરી દળો તૈનાત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સેના અને આસામ રાઈફલ્સના ૧૨૮૦ વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેમ્પમાં રહેતા તોરબુંગ ગામના રહેવાસીઓ કહે છે કે કેન્દ્રીય દળોની હાજરી હોવા છતાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના ઘરોને આગ ચાંપી દીધી હતી. ગ્રામવાસીઓએ કહ્યું કે તેઓ સરકાર પાસે તેમને હથિયારો આપવાની માંગ કરી રહ્યા છે કારણ કે સુરક્ષા દળો તેમની અને તેમની સંપત્તિની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે.
આવી સ્થિતિમાં સુરક્ષા દળો પર નિર્ભર રહેવાને બદલે તેઓ હુમલાખોરો સાથે જાતે જ સામનો કરશે. તેઓએ આ વિસ્તારમાંથી કેન્દ્રીય સુરક્ષા દળોને પાછા જવાની પણ માંગ કરી છે. આ દરમિયાન, ખ્રિસ્તી મિશનરીઓ જ્યાં એકજુથ થઈ રહી છે. બીજી બાજુ, મૈતેઈ સમુદાય ઇચ્છે છે કે રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરોને ઓળખવા અને તેમને બહાર કાઢવા માટે આસામની જેમ મણિપુરમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (દ્ગઇઝ્ર)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
મણિપુરના વિવિધ વિસ્તારોમાંથી ચિન-કુકી-મિઝો આદિવાસી સમુદાયના લગભગ ૬૦૦૦ લોકો મિઝોરમ પહોંચ્યા છે. તેમના માટે રાજ્યના ૬ જિલ્લાઓમાં કેમ્પ લગાવવામાં આવ્યા છે. તેમાંથી ૨૦૨૧ લોકો આઈઝોલ જિલ્લામાં, ૧,૮૪૭ કોલાસિબમાં અને ૧,૭૯૦ લોકોએ સૈતુઅલમાં આશ્રય લીધો છે.
મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું કે ૫૮૨૨ લોકો રાહત શિબિરોમાં રહે છે. કેટલાક લોકો રાજ્યમાં તેમનાસગાઓને ત્યાં રહે છે. આ દરમિયાન, મિઝોરમના સાંસદ સી લલરોસાંગાએ મણિપુરના કુકી આદિવાસી ધારાસભ્યોની આદિવાસી લોકો માટે અલગ વહીવટની માંગને સમર્થન આપ્યું છે. પોલીસને શનિવારે વિષ્ણુપુર જિલ્લામાં એક અજાણી લાશ મળી આવી હતી. આ સાથે હિંસામાં મૃત્યુઆંક વધીને ૭૩ થઈ ગયો છે.
આસામ રાઈફલ્સે ચંદેલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પાસે ફસાયેલા ૯૬ લોકોને એરલિટ કર્યા હતા. ૩જી મેના રોજ હિંસાના સમયથી તમામ લોકોને આસામ રાઈફલ્સ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. આ વિસ્તાર છેવાડાનો હોવાને કારણે તેમને બહાર કાઢવામાં સમય લાગ્યો હતો.
સીએમ એન બિરેન સિંહ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાનને રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપ્યા બાદ ઇમ્ફાલ પરત ફર્યા હતા. તેમણે મણિપુરથી અલગ વહીવટની ૧૦ ધારાસભ્યોની માંગને ફગાવી દીધી છે. સીએમએ કહ્યું કે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરનારા ઉગ્રવાદીઓ તેમના નિર્ધારિત સ્થળો પર પાછા ફરે તે સુનિશ્ર્ચિત કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. શાહની દેખરેખમાં સસ્પેંશન ઓફ ઓપરેશન દ્વારા ઉગ્રવાદી જૂથોને પાછા લાવવા અને સામાન્ય સ્થિતિને ફરી થાળે પાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.