મણિપુરમાં ધારાસભ્યના ઘર પર બોમ્બથી હુમલો,બે સમુદાયો વચ્ચે જે પણ મતભેદ છે તે બોમ્બ વિના પણ ઉકેલી શકાય છે : ધારાસભ્ય

  • બે સમુદાયો વચ્ચે જે પણ મતભેદ છે તે બોમ્બ વિના પણ ઉકેલી શકાય છે : ધારાસભ્ય

ઇમ્ફાલ, મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે ૩ મેથી ચાલી રહેલી હિંસા અટકી રહી નથી. બે લોકોએ ઇમ્ફાલમાં બીજેપીના ધારાસભ્ય સોરાઈસામ કેબીના ઘર પર બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, બે લોકો બાઇક પર આવ્યા અને ખુલ્લા ગેટની અંદર એક આઇઇડી બોમ્બ ફેંકી હુમલો કર્યો હતો. જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટના કારણે જમીનમાં એક મોટો ખાડો ગયો હતો.તેમણે આ ઘટના પાછળના લોકોને અપીલ કરી હતી કે ભવિષ્યમાં ક્યાંય પણ આવી પ્રવૃતિઓ ફરી ન થાય. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે બધા માણસો છીએ અને બે સમુદાયો વચ્ચે જે પણ મતભેદ છે તે બોમ્બ વિના પણ ઉકેલી શકાય છે.

છેલ્લા ૧૦ દિવસમાં મણિપુરમાં ધારાસભ્યના ઘર પર આ બીજો હુમલો છે. આ પહેલા ૨૮ મેના રોજ સેરો ગામમાં કોંગ્રેસના ધારાસભ્ય રણજીત સિંહના ઘર પર હુમલો થયો હતો. કેટલાક લોકો સેરો ગામમાં આવ્યા અને ધારાસભ્ય રણજીતના ઘરમાં તોડફોડ કરી હતી. ધારાસભ્ય અને તેમના પરિવારનો આબાદ બચાવ થયો હતો. હિંસક ટોળાએ અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન લગભગ ૧૦૦ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.

મણિપુરમાં હિંસા અંગે સીએમથી લઈને ગૃહમંત્રી સુધી અનેક રાઉન્ડની બેઠકો થઈ છે. ગૃહમંત્રી અમિત શાહ ૨૯ મેથી ૧ જૂન સુધી મણિપુરના પ્રવાસે હતા. તેમણે બંને સમુદાયના લોકો સાથે શાંતિ જાળવવા માટે પણ વાત કરી હતી.૧ જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં શાહે લોકોને તેમના હથિયાર સરેન્ડર કરવાની અપીલ કરી હતી. આ પછી તોફાનીઓએ ૧૪૪ હથિયારો અને ૧૧ મેગેઝીન સરેન્ડર કર્યા. જેમાં SLR  ૨૯, કાર્બાઇન,એકે,આઇએનએસએએસ,એમ-૧૬ રાઇફલ અને ગ્રેનેડ જેવી હાઇટેક રાઇફલ્સ સરેન્ડર કરવામાં આવી હતી.

મણિપુરના પહાડી અને ઘાટી વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. બુધવારે સંયુક્ત કોમ્બિંગ ઓપરેશનમાં સેનાના જવાનો અને પોલીસ દળે ૨૯ હથિયારો જપ્ત કર્યા હતા.સેનાની સ્પીયર કોર્પ્સ વિંગે ટ્વીટ કરીને આ જાણકારી આપી. જપ્ત કરાયેલા મોટાભાગના હથિયારો ઓટોમેટિક હથિયારો છે. સાથે જ કેટલાક મોર્ટાર, હેન્ડ ગ્રેનેડ અને યુદ્ધનો સામાન પણ જપ્ત કર્યો છે.

અગાઉ મંગળવારે, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે કહ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઇમ્ફાલ પૂર્વના પોરોમપટ અને કાકચિંગ જિલ્લાના સુગનુમાંથી કુલ ૫૭ હથિયારો, ૩૧૮ દારૂગોળો અને પાંચ બોમ્બ મળી આવ્યા છે. હાલમાં, મણિપુરના પાંચ ઘાટી જિલ્લાઓમાં ૧૨ કલાક અને પર્વતીય જિલ્લાઓમાં ૮ થી ૧૦ કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. અન્ય છ પહાડી જિલ્લાઓમાં કર્ફ્યુ નથી. બુધવારે ૨૪૪ ટ્રક ઈમ્ફાલથી જીરીબામ જવા રવાના થઈ હતી. જીરીબામથી ૨૧૨ ભરેલા ટેન્કરો અને ટ્રકો રવાના થયા હતા. તે જ સમયે, નોનીથી કુલ ૨૧૨ લોડેડ વાહનો રવાના થયા છે. ટોળાએ માતા અને પુત્ર સહિત બે મહિલાઓને જીવતા સળગાવી દીધા હતા. ત્રણેયને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. રસ્તામાં લગભગ ૨૦૦૦ લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો અને કારને આગ ચાંપી દીધી હતી.