મણિપુર હિંસામાં અત્યાર સુધી ૬૦ લોકોના મોત, ૨૦૦થી વધુ ઘાયલ : મુખ્યમંત્રી

  • મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ,ગંભીર ઈજાગ્રસ્તોને ૨-૨ લાખ ઓછી ગંભીર ઈજાઓવાળાઓને ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

ઈમ્ફાલ,મણિપુરમાં ૩ મેના રોજ ભડકેલી હિંસા બાદ જાનમાલનુ ઘણુ નુકશાન થયુ છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે માહિતી આપી છે કે અત્યાર સુધી ૫૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. હિંસામાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી કહ્યુ કે હજુ પણ ૧૦ હજાર લોકો ફસાયેલા છે. સીએમે હિંસામાં મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલા લોકોના પરિવાર માટે વળતરનુ એલાન કર્યુ છે.

મણિપુર હિંસા પર પહેલીવાર બોલતા સીએમ એન બિરેન સિંહે રાજધાની ઈમ્ફાલમાં મીડિયાને કહ્યુ, ’૩ મેના રોજ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ૬૦ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ હિંસામાં ૨૩૧ લોકો ઘાયલ થયા. ૧૭૦૦ ઘરોને ઉપદ્રવીઓએ સળગાવી દીધા.’તેમણે કહ્યું, ’હું રાજ્યના લોકોને શાંતિ અને સૌહાર્દની અપીલ કરુ છુ. જે લોકો ફસાયેલા છે તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ ૧૦,૦૦૦ લોકો હજુ પણ ફસાયેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટનાના દિવસથી લઈને આજ સુધી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓએ કેન્દ્રીય દળોની ઘણી કંપનીઓ પણ મોકલી છે.’

આ સાથે સીએમ એન બિરેન સિંહે હિંસા પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. સીએમ બિરેન સિંહે કહ્યુ, ’મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાનુ વળતર, ગંભીર ઈજાગ્રસ્તોને ૨-૨ લાખ રૂપિયા અને ઓછી ગંભીર ઈજાઓવાળાઓને ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સાથે જેમના ઘર સળગી ગયા છે તેદરેકને ૨ લાખ રૂપિયા સુધીનુ વળતર આપવામાં આવશે.’

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસાને કારણે વિસ્થાપિત થયેલા લોકો પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ કે આ માનવીય સંકટ છે. વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે જરૂરી પગલાં લેવા જોઈએ. રાહત શિબિરોમાં દવાઓ અને ખાવા-પીવા જેવી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા હોવી જોઈએ. આ સાથે રાજ્યમાં ધામક સ્થળોની સુરક્ષા માટે પણ પગલાં લેવા જોઈએ.

મણિપુર ટ્રાઇબલ ફોરમ અને હિલ એરિયા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં હિંસાની એસઆઈટી તપાસ અને હાઈકોર્ટના મેઈટી સમુદાયને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશનો વિરોધ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. આગામી સુનાવણી ૧૭ મેના રોજ થશે. તમને જણાવી દઈએ કે મણિપુરમાં મેતેઈ સમુદાય અને આદિવાસીઓ વચ્ચેની હિંસા પર કાબૂ મેળવવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલ્સની ૧૦૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.