ઇમ્ફાલ,
મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે આતંકવાદીઓએ પિતા-પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. પોલીસે શનિવારે સવારે જણાવ્યું હતું કે, જિલ્લાના કવાક્તા વિસ્તારમાં ત્રણેય માણસો જ્યારે સૂતા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી અને પછી તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો ચુરાચંદપુરથી આવ્યા હતા.તેમણે કહ્યું કે ત્રણ મૃતકો રાહત શિબિરમાં રોકાયા હતા, પરંતુ પરિસ્થિતિ સુધર્યા પછી તેઓ શુક્રવારે કવાક્તામાં તેમના ઘરે પાછા ફર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તરત જ ક્વાક્તા ખાતે ગુસ્સે ભરેલું ટોળું એકઠું થયું અને ચુરાચંદપુર તરફ આગળ વધવા લાગ્યું, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને અટકાવી દીધો. ફુગાચાઓ અને ક્વાક્તાની આસપાસ રાજ્ય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારના અહેવાલો પણ હતા.
અનુસૂચિત જનજાતિના દરજ્જાની મૈતેઇ સમુદાયની માંગના વિરોધમાં ૩ મેના રોજ પહાડી જિલ્લાઓમાં ’આદિવાસી એક્તા માર્ચ’નું આયોજન કર્યા પછી મણિપુરમાં ફાટી નીકળેલી વંશીય હિંસામાં ૧૬૦ થી વધુ લોકોના મોત થયા છે. મૈતેઈ સમુદાય રાજ્યમાં લગભગ ૫૩ ટકા વસ્તી ધરાવે છે અને તેઓ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયો ૪૦ ટકા વસ્તી ધરાવે છે અને મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
મણિપુરમાં ૨૭ વિધાનસભા મતવિસ્તારોની સંકલન સમિતિ દ્વારા શનિવારે કરવામાં આવેલા ૨૪ કલાકના બંધને કારણે ઇમ્ફાલ ખીણમાં સામાન્ય જીવનને અસર થઈ હતી અને લગભગ તમામ વિસ્તારોમાં બજારો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી હતી. બંધ દરમિયાન જાહેર વાહનો રસ્તાઓથી દૂર રહ્યા હતા અને માત્ર થોડાક ખાનગી વાહનો જ ચાલતા જોવા મળ્યા હતા. બંધને કારણે શાળાઓ પણ બંધ રહી હતી. જો કે, પહાડી જિલ્લાઓ બંધથી મોટાભાગે અપ્રભાવિત રહ્યા. સંકલન સમિતિએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિધાનસભાનું તાકીદનું સત્ર બોલાવવાની માંગ સાથે બંધનું એલાન આપ્યું છે. સમિતિના કન્વીનર એલ બિનોદે અગાઉ કહ્યું હતું કે હડતાળ લોકોની તકલીફો વધારવા માટે નથી, પરંતુ સરકાર પર દબાણ બનાવવા માટે છે. દરમિયાન, મણિપુર કેબિનેટે શુક્રવારે રાજ્યપાલ અનુસુયા ઉઇકેને ૨૧ ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવાની ભલામણ કરી હતી. છેલ્લું વિધાનસભા સત્ર માર્ચમાં યોજાયું હતું.