ઇમ્ફાલ, મણિપુરમાં ચાલી રહેલી હિંસાને લઈને કેન્દ્ર ચિંતિત છે. જે હિંસાના કારણે હજારો લોકો ઘર વિહોણા બન્યા છે તેમજ પોતાના ઘર અને સામાન વગર શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે સતત હિંસા વચ્ચે રણનીતિમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ ફોર્સની ટુકડીઓને બદલે હવે એક જ જગ્યાએ એક ફોર્સની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે. કેટલાક જિલ્લાઓમાં સૈન્ય તૈનાતી માટે આ વ્યૂહરચના ગોઠવામાં આવી રહી છે. તેમજ હિંસાની સ્થિતિને જોતા કેટલાક વિસ્તારોમાં બફર ઝોન બનાવવામાં આવશે.
ઇમ્ફાલ અને પશ્ર્ચિમી કાંગપોકપી સરહદ પર ગુરુવારે ફરી હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા દિવસોમાં અહીં સતત આગચંપીની ઘટના બની હતી. સૈનિકો તૈનાત હોવા છતાં, લોકો આગચંપી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો જે બાદ સેનાને ટીયર ગેસ છોડવો પડ્યો હતો. ત્યારે મળતી માહિતી મુજબ જવાનો વચ્ચે યોગ્ય તાલમેલના અભાવે આગચંપી-હિંસા પર કાબૂ મેળવી શકાયો નથી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે એક જગ્યાએ માત્ર એક ટુકડી તૈનાત કરવામાં આવે. આનાથી સંકલન સ્થાપિત કરવાનું સરળ બનશે.
રિપોર્ટ મુજબ અધિકારીએ જણાવ્યું કે આ વ્યૂહરચનાથી કમાન્ડ અને કંટ્રોલમાં સરળતા રહેશે. લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ સરળ રહેશે. ઉદાહરણ તરીકે, જો બીએસએફને બિષ્ણુપુર અને ચુરાચંદપુરમાં તૈનાત કરવામાં આવે છે, તો તે આ વિસ્તારમાં સુરક્ષાની જવાબદારી સંભાળશે. જો કોઈ ક્ષતિ હશે તો તેના માટે માત્ર બીએસએફ જ જવાબદાર રહેશે. હાલમાં સ્થિતિ એવી છે કે મોટાભાગનો સમય સંકલનમાં જ પસાર થાય છે.
રિપોર્ટ્સ અનુસાર મણિપુરમાં ૪૦ હજાર સેન્ટ્રલ ફોર્સ તૈનાત છે. જેમાં આસામ રાઇફલ્સ, ભારતીય સેના, બીએસએફ,સીઆરપીએફનો સમાવેશ થાય છે. આ વિવિધ પાંખોની ટુકડીઓ બનાવવામાં આવી છે અને કોઈપણ ખતરનાક વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. મલ્લન, જો સૈન્ય મોઇરાંગ ખાતે તૈનાત છે, તો આસામ રાઇફલ્સ થોડા કિલોમીટર દૂર તોરબાંગ ખાતે તૈનાત છે. આ દરમિયાન બીએસએફ અને સીઆરપીએફની તૈનાતી પણ જોઈ શકાય છે.
મણિપુરમાં અગાઉ એક દિવસ પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ લોકો સાથે વાતચીત કરી ત્યાંની સ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો હતો.