મણિપુર હિંસાને લઇ સંસદના બંન્ને ગૃહો સ્થગિત કરવામાં આવ્યા

ઇમ્ફાલ, લોક્સભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે પણ ભારે હંગામાને કારણે સ્થગિત કરવામાં આવી હતી વિપક્ષ મણિપુર મુદ્દે વડા પ્રધાનના નિવેદનની માગણી પર અડગ છે અને સરકાર વિપક્ષો પર રાજકારણ રમવાનો આરોપ લગાવી રહી છે. ખડગેએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન સંસદનો અનાદર કરી રહ્યા છે. ખડગેએ કહ્યું કે વડાપ્રધાન ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન જઈ શકે છે પરંતુ સંસદમાં ન આવી શકે? મણિપુર મુદ્દે વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોક્સભા ૨૮ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

લોક્સભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ થયો હતો. હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને ટોણો મારતા કહ્યું કે વિપક્ષે અવિશ્ર્વાસની દરખાસ્ત મૂકી છે, જેના પર સ્પીકર નિર્ણય લેશે. હજુ ૧૦ દિવસ બાકી છે અને જ્યારે પણ સ્પીકર નિર્ણય કરે ત્યારે સરકાર જવાબ આપવા તૈયાર છે. અમારી પાસે સંખ્યા છે અને લોકો અમારા પર અને પીએ મોદી પર વિશ્ર્વાસ કરે છે પરંતુ તેમના પર વિશ્ર્વાસ નથી કરતા.

દરમિયાન હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલા રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી પરંતુ જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે વિપક્ષે ફરી હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.ત્યારબાદ આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી

વિરોધ પક્ષના સાંસદો કાળા કપડા પહેરીને ગૃહ માં આવ્યા હતાં અને વિરોધ વ્યકત કર્યો હતો.રાજ્યસભામાં વિપક્ષના કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આટલા ગંભીર મુદ્દા પર રાજનીતિ થઈ રહી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તે ભારતના સન્માન સાથે સંબંધિત છે. મને લાગે છે કે જેઓ કાળા કપડાં પહેરે છે તેઓ દેશની વધતી શક્તિને સમજી શક્તા નથી. તેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય અંધકારમાં છે પરંતુ અમે આશા રાખીએ છીએ કે તેના જીવનમાં પણ પ્રકાશ આવે.