મણિપુર હિંસાના મૃતકના પરિવારોને ૧૦ લાખ રુપિયા અને નોકરી આપવામાં આવશે : અમિત શાહની જાહેરાત

  • લોહિયાળ હિંસામાં અત્યાર સુધીમાં ૮૦ લોકોના મોત થયા છે.

ઇમ્ફાલ, મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. આગમાં ઘણા લોકોના ઘર બળી ગયા હતા. આ લોહિયાળ હિંસામાં અત્યાર સુધીમાં ૮૦ લોકોના મોત થયા છે.આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે. કેન્દ્ર અને મણિપુર સરકારે મંગળવારે હિંસામાં જીવ ગુમાવનારા લોકો માટે વળતરની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોના પરિવાર માટે ૧૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મૃતકના પરિવારના એક સભ્યને નોકરી પણ મળશે. ૧૦ લાખની સહાયની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આપશે. અધિકારીઓએ જણાવ્યું કે અફવાઓને રોકવા માટે ટેલિફોન લાઇન લગાવવામાં આવશે. તેનાથી રાજ્યમાં શાંતિ સ્થાપિત થશે. અમિત શાહે બેઠક દરમિયાન પેટ્રોલ, એલપીજી ગેસ, ચોખા અને અન્ય ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્ણય લીધો છે.આ બેઠકમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને ઈન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તપન ડેકા હાજર હતા.૨૯ મેના રોજ અમિત શાહ મણિપુર પહોંચ્યા હતા અને રાજધાની ઇમ્ફાલમાં સીએમ સાથે બેઠક કરી હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, ગૃહ સચિવ અજય ભલ્લા અને ઈન્ટેલિજન્સ બ્યુરો ચીફ તપન ડેકા હાજર હતા.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં મુતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ૩ મેથી હિંસક અથડામણ ચાલી રહી છે. આ હિંસક અથડામણમાં ૪૦ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં પોલીસકર્મીઓ સહિત ૧૦ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં બગડતી સ્થિતિએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. મણિપુરમાં હિંસા પર અંકુશ મેળવવા માટે સરકાર હવે કડક પગલા ભરવા માટે તૈયાર છે.ગૃહમંત્રી અમિત શાહ ૨૯ મેના રોજ મણિપુરની રાજધાની ઈમ્ફાલ પહોંચ્યા હતા. તેઓ ૧ જૂન સુધી અહીં રોકાશે.

દરમિયાન મણિપુરમાં ૩ મેથી ચાલી રહેલી હિંસા વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે મંગળવારે પુણેમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે.જનરલ ચૌહાણે કહ્યું- રાજ્યમાં હિંસા બે જાતિઓ વચ્ચેના સંઘર્ષનું પરિણામ છે અને તેનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી. આ કાયદો અને વ્યવસ્થાનો મામલો છે. અમે રાજ્ય સરકારને મદદ કરી રહ્યા છીએ.૨૮ મેના રોજ, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે રાજ્યમાં હિંસા ફાટી નીકળી ત્યારથી પોલીસ એક્ધાઉન્ટરમાં ૪૦ લોકો માર્યા ગયા છે. મુખ્યમંત્રીએ તેમને આતંકવાદી કહ્યા હતા.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હિંસામાં સામેલ આતંકવાદીઓ નાગરિકો સામે એમ-૧૬, એકે-૪૭ એસોલ્ટ રાઈફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ કરી રહ્યા હતા. મણિપુર સરકારે રાજ્યમાં હિંસા વિશે નકલી સમાચાર ફેલાવનારાઓ સામે રાજદ્રોહના કેસનો આદેશ આપ્યો હતો.

દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં પાર્ટી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિને મળ્યું હતું. મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે પ્રતિનિધિમંડળ વતી રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું છે.

જયરામે કહ્યું- મણિપુર ૨૨ વર્ષ પહેલા પણ સળગતું હતું. ત્યારે અટલજી વડાપ્રધાન હતા. આજે ફરી મણિપુર સળગી રહ્યું છે, હવે પીએમ નરેન્દ્ર મોદી છે. તેનું કારણ ભાજપની વિભાજનકારી અને ધ્રુવીકરણની રાજનીતિ છે. મણિપુર સળગી રહ્યું હતું પરંતુ પીએમ અને ગૃહમંત્રી કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત હતા.

નવી હિંસા ફાટી નીકળ્યા બાદ સેના અને આસામ રાઈફલ્સે રવિવારે એક મોટું બચાવ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં કુકી જનજાતિ અને મૈતેઈ સમાજના ગ્રામજનોને સલામત સ્થળે પહોંચવામાં મદદ કરવામાં આવી હતી.સૈન્ય અને અર્ધલશ્કરી દળોએ પોલીસ, રાજ્ય પ્રશાસન અને નાગરિક સમાજ સંગઠનો સાથે મળીને લગભગ ૨,૦૦૦ મૈતેઈ ગ્રામવાસીઓને સેરોમાંથી બહાર કાઢ્યા અને તેમને પંગલતાબી રાહત શિબિરમાં લઈ ગયા. એ જ રીતે, કુકી જાતિના લગભગ ૩૨૮ ગ્રામજનોને સુરક્ષિત રીતે સુગનુથી સાજિક તંપક ખસેડવામાં આવ્યા હતા.ભારતીય સેનાની ટ્રકો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. આકાશમાંથી વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. ૩૧ મે સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ, ૪૦ હજાર લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે.