મણિપુર હિંસા મામલે સુપ્રીમનો મગજ ગયો, પૂછ્યું, ’તમારી પાર્ટીની સરકાર સામે કાર્યવાહી કેમ ન કરી’?

  • મણિપુર હિંસા મામલે સુપ્રીમનો મગજ ગયો
  • કેન્દ્ર સરકારને બરાબરની ખખડાવી નાખતા કરી અત્યાર સુધીની કડક ટીપ્પણી
  • કહ્યું કે તમારી પાર્ટીની સરકાર સામે કાર્યવાહી કેમ ન કરી’? 

મણિપુર હિંસા મામલે કોઈ ઠોસ કાર્યવાહી ન કરવા બદલ વિપક્ષો કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી રહ્યાં છે અને હવે સુપ્રીમ કોર્ટને પણ સરકારની લાપરવાહી કઠી છે અને તેણે હવે આ મામલે ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં સરકારને બરાબરની ખખડાવી નાખી હતી. મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમમાં સુનાવણી ચાલી હતી. 

સુપ્રીમને કેન્દ્રને મોં પર સંભળાવ્યું છે કે તમારી પાર્ટીની સરકારની સામે હજુ સુધી કેમ કાર્યવાહી કરી નથી. સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શાસિત રાજ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. 

સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે “તમે શા માટે તમારા જ પક્ષની રાજ્ય સરકારો વિરુદ્ધ કાર્યવાહી કરતા નથી? તમે અન્ય રાજ્ય સરકારો સામે કઠોર વલણ અપનાવો છો પરંતુ જ્યારે તમારી સરકાર સામે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે તમે કશું જ કરતા નથી. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નાગાલેન્ડમાં મહિલાઓ માટે અનામત આપવામાં નિષ્ફળ રહેવા અંગે સવાલ ઉઠાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મણિપુરમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને ત્યાં ભાજપના બિરેન સિંહ મુખ્યમંત્રી છે. સુપ્રીમ કોર્ટને લાગી રહ્યું છે કે ત્યાં ભાજપની સરકાર હોવાથી કેન્દ્ર સરકાર હિંસા છતાંય પણ કોઈ કાર્યવાહી કરતી નથી. 

નોર્થ ઈસ્ટ રાજ્ય મણિપુરમાં 3 મેના દિવસે મૈતઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માગની વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. કુકી સમુદાય મૈતઈને એસટીનો દરજ્જો આપવાની વિરૃદ્ધમાં છે અને આ મુદ્દે બન્ને સમુદાયો વચ્ચે ભારે લોહિયાળ હિંસા થઈ હતી જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. વિપક્ષો મણિપુર હિંસા મુદ્દે સંસદમાં પીએમ મોદીના નિવેદનની માગ કરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે જાતિય સંઘર્ષ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે. કુકી અને મૈતઈ સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત થયા છે અને આ મુદ્દે વિપક્ષની માગ છે કે પીએમ મોદીએ સંસદમાં આવીને નિવેદન આપવું જોઈએ. જોકે સરકાર કહી ચૂકી છે તે મણિપુર હિંસા મામલે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. 

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે મણિપુર વાયરલ વીડિયોની ઘટના પર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ શરમજનક છે કે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સત્યપાલ મલિકે કહ્યું કે આ ઘટનાને બે મહિના જેટલો સમય થયો છે. અત્યાર સુધી ન તો સીએમને હટાવવામાં આવ્યા છે અને ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આટલી મોટી ઘટના બાદ પણ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. સત્યપાલ મલિકે કહ્યું કે 4 તારીખે બનેલી આ ઘટનાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આટલા દિવસો પછી પણ કશું થતું નથી. આ સમગ્ર દેશ માટે શરમજનક બાબત છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના મણિપુરમાં જે દિવસે એટલે કે 3 મેના રોજ હિંસા થઈ હતી તેના એક દિવસ બાદ બની હતી.