
ઇમ્ફાલ, મણિપુર અઢી મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ભાજપના ધારાસભ્ય પાઓલિનલાલ હાઓકિપે કહ્યું કે રાજ્ય સરકાર પણ હિંસામાં સામેલ છે.સરકારની મિલીભગતને કારણે અઢી મહિના પછી પણ હિંસા પર કાબૂ મેળવી શકાયો નથી. તેમણે ઈન્ડિયા ટુડેમાં લખેલા એક લેખમાં આ વાત કહી છે.પાઓલિનલાલ એ ૧૦ ધારાસભ્યોમાં સામેલ છે જેમણે મે મહિનામાં મુખ્યપ્રધાન એન બિરેન સિંહને પત્ર લખીને રાજ્યમાં કુકી-પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ માટે અલગ વહીવટની માગણી કરી હતી.

બીજી તરફ, બિષ્ણુપુર અને ચુરાચંદપુર વચ્ચેનો થોરબુંગ વિસ્તાર શનિવારે સાંજે ૭ વાગ્યે ગોળીબારથી ગુંજી રહ્યો છે. થોરબંગની શાળામાં કેટલાક લોકોએ આગ લગાવી હતી.પછી અહીંથી ફાયરિંગ શરૂ કર્યું. આ દરમિયાન ૫૦-૬૦ લોકોનું એક જૂથ સીઆરપીએફનાં બંકરોની સામેના મુખ્ય માર્ગ પર અચાનક દેખાયું. રસ્તા પર ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યું હતું, ભીડને કોઈ ડર નહોતો.કુકી સમુદાયના લોકો તેમના ગામ પર હુમલાના ડરથી રસ્તા પર ઊતરી આવ્યા હતા. ભીડ મોટે ભાગે પુરુષોની હતી, તેમના ખભા પર રાઈફલ લટકેલી હતી અને હાથમાં ખાંગ (તલવાર જેવાં હથિયારો) હતાં. આ ક્રોસ ફાયરિંગ વચ્ચે સુરક્ષાદળોએ ભાસ્કરના પત્રકારને તેના બંકરમાં છુપાઈને બચાવ્યો હતો.
સીઆરપીએફ જવાનો જણાવે છે કે દર ત્રીજા-ચોથા દિવસે આ સ્થિતિ સર્જાય છે. ક્યારેક કુકી મૈતેઇ પર હુમલો કરે છે, તો ક્યારેક મૈતેઇ વસાહતને બાળી નાખે છે. સેફ હાઉસથી લગભગ ૨૦૦ મીટર દૂર આસામ રાઈફલ્સ કેમ્પના કેટલાક જવાન એક ટ્રકમાં આવ્યા અને ભીડને ડરાવવા માટે ૫-૬ લોકોને લઈ જવા લાગ્યા. ત્યારે જ સેંકડો મહિલાઓ રસ્તા પર આવીને સૂત્રોચ્ચાર કરવા લાગી હતી. સવારે ૪ વાગ્યા સુધી તૂટક તૂટક ગોળીબાર ચાલુ રહ્યો હતો. સવારે ૯ વાગ્યે પરિસ્થિતિ સુધરી ત્યારે અમે ઇમ્ફાલ જવા રવાના થયા.
જ્યારથી મણિપુરની મહિલાઓનો વીડિયો સામે આવ્યો છે ત્યારથી પડોશી રાજ્ય મિઝોરમમાં પણ ખતરો તોળાઈ રહ્યો છે. ભૂગર્ભ મિઝો નેશનલ ફ્રન્ટના આતંકવાદીઓના સંગઠન પીસ એકોર્ડ એમએનએફ રિટર્નીઝ એસોસિયેશન (પીએએમઆરએ)એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે મિઝોરમમાં રહેતા મૈતેઈઓએ તેમની સુરક્ષા માટે રાજ્ય છોડી દેવું જોઈએ. આ સમયે મિઝો સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.ભયના કારણે અત્યાર સુધીમાં મૈતેઈ સમુદાયના ૫૬૮ લોકો મિઝોરમ છોડીને મણિપુરની રાજધાની ઈમ્ફાલ આવી ગયા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્ર સાથે જોડાયેલા લોકો છે. જોકે, મિઝોરમ સરકારે તેમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. જે બાદ મણિપુર સરકારે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા મૈતેઈ લોકોને બહાર કાઢવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.
મણિપુરમાં ૩ મેથી હિંસા ચાલુ છે. ૧૯ જુલાઇના રોજ બે મહિલાઓનો નિર્વસ્ત્ર પરેડ કરવાનો વીડિયો વાઇરલ થયો ત્યારે મામલો વધુ ખરાબ થયો. આ ઘટના ૪ મેના રોજ બની હતી. વીડિયો જોઈને લોકોમાં ગુસ્સો વધી ગયો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં એક સગીર છે.એ જ દિવસે બીજી ઘટના બની. અન્ય બે છોકરીઓ પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અન્ય ઘટના સ્થળથી ૪૦ કિમી દૂર કાંગપોકપી જિલ્લાના કોનુંગ મામંગ વિસ્તારમાં બની હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટનાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, સીએમ બિરેન સિંહે દોષિતોને ફાંસી આપવાની વાત કરી હતી. બીજી તરફ ૨૧ જુલાઈએ મણિપુરના ચુરાચંદપુરમાં હજારો લોકોએ કાળાં કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. અને મહિલાઓએ ટોર્ચ લઈને રેલી કાઢી હતી.