મણિપુર હિંસા બાદ અમિત શાહની અપીલની અસર, લોકોએ ૧૪૦ હથિયાર પરત કર્યા

ઇંમ્ફાલ, ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. ૩ મેથી શરૂ થયેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ લોકોના મોત થયા છે.મણિપુરમાં ગયા મહિને શરૂ થયેલી હિંસા ધીરે ધીરે ઓછી થતી જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ બાદ લોકોએ મણિપુરના અલગ-અલગ સ્થળોએથી ૧૪૦ હથિયારો પરત કર્યા છે.

મણિપુર પોલીસે જણાવ્યું હતું કે શરણાગતિ પામેલા ૧૪૦ હથિયારોમાં જીન્ઇ ૨૯, કાર્બાઈન, એકે,આઇએનએસએએસ રાઈફલ,આઇએનએસએએસ એલએમજી.૩૦૩ રાઈફલ, ૯ એમએમ પિસ્તોલ, .૩૨ પિસ્તોલ, એમ૧૬ રાઈફલ, સ્મોક ગન અને ટીયર ગેસ, લોકલ મેડ પિસ્તોલ, સેન્ટ, મો. રાઈફલ, જેવીપી અને જેવીપી ગ્રેનેડ લોન્ચર સામેલ છે.

અમિત શાહે પોતાના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે જો સરેન્ડર નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ત્રણ દિવસ સુધી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યના કેબિનેટ મંત્રીઓ સહિત દરેક સમુદાય સાથે બેઠક કરી હતી. આ સાથે ગૃહમંત્રીએ તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, “અફવાઓ પર ધ્યાન ન આપો. હવે રાજ્યમાં સ્થિતિ સારી છે.” તેમના નિવેદન બાદ લોકોએ મોટી સંખ્યામાં હથિયારો સરેન્ડર કર્યા હતા.

મણિપુરમાં આ હિંસા નાગા-કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે થઈ રહી છે. ૩ મે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુરએ ‘આદિવાસી એક્તા માર્ચ’ કાઢી. આ પછી જ રાજ્યમાં હિંસા શરૂ થઈ. આ રેલીમાં આદિવાસી અને બિન આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. મીતી સમાજ દ્વારા આદિવાસીનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. બુધવારે (૩૧ મે) ના રોજ, શાહ કુકી અને મેઇતેઈ સમુદાયના રાહત શિબિરો પર પહોંચ્યા અને સ્ટોક લીધો, તેમજ લોકોને મદદની ખાતરી આપી. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે પણ ચેતવણી આપી હતી કે ગેરકાયદેસર રીતે શસ્ત્રો અને દારૂગોળો ધરાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.