નવીદિલ્હી, મણિપુરમાં મહિલાઓ સાથે હિંસા અને દુર્વ્યવહારના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં કોઈ સુનાવણી થઇ ન હતી.કહેવામાં આવી રહ્યું છે કે સીજેઆઇ ડીવાય ચંદ્રચુડ આજે ઉપલબ્ધ ન હતાં. હવે આ મામલે સોમવારે સુનાવણી થશે. આ પહેલા ગૃહ મંત્રાલયે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું અને કહ્યું કે મણિપુર વાયરલ વીડિયો કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. વીડિયો બનાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે મોબાઈલમાંથી વીડિયો બનાવ્યો હતો તે મોબાઈલ પણ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસની સુનાવણી મણિપુરની બહાર થશે.
અહીં, કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ૧૮ જુલાઈ પછી કોઈનું મૃત્યુ થયું નથી.સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત વાતચીત ચાલી રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ તમામ માહિતી આપી છે.
સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે ટ્રાયલ પ્રક્રિયા ૬ મહિનામાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપે. તમને જણાવી દઈએ કે, મણિપુરમાં મહિલાઓ સાથે અત્યાચારનો વીડિયો સામે આવ્યા બાદ ગત ગુરુવારે દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધી હતી અને કેન્દ્ર અને મણિપુર સરકારને કહ્યું હતું કે કાં તો તમે પગલાં લો અથવા અમે કરીશું. .
તમને જણાવી દઈએ કે મણિપુરના વાયરલ વીડિયો કેસમાં અત્યાર સુધીમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ૪ મેના રોજ ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાની ઘટના ૧૯ જુલાઈના રોજ સામે આવેલા એક વીડિયો દ્વારા પ્રકાશમાં આવી હતી.