મણિપુર ઘટના : ગુનેગારોને મોતની સજા આપવામાં આવે.: અન્ના હજારે

મુંબઇ, મણિપુરની ઘટનાને લઈને આખા દેશમાં ગુસ્સો છે. દરેક આ ધ્રુણિત ઘટનાની નિંદા કરી રહ્યું છે. હવે આ ઘટનામાં સામેલ આરોપીઓ માટે સામાજિક કાર્યર્ક્તા અન્ના હજારેએ મોતની સજાની માગ કરી છે. અન્ના હજારેએ કહ્યું કે, આ ઘટનામાં સામેલ ગુનેગારોને મોતની સજા આપવામાં આવે. એવા ગુનેગારોને ફાંસીના ફંદા પર લટકાવવા જોઈએ. આ ઘટના માનવતા પર ડાઘ છે.

તેમણે એવા વ્યક્તિની પત્ની સાથે હેવાનિયત કરી છે, જે દેશની રક્ષા માટે સીમા પર ઊભો રહ્યો છે. એવા ફોજીની પત્ની સાથે એવું કૃત્ય ખૂબ ગંભીર ઘટના છે. આ ઘટના માનવતા પર ખૂબ મોટું કલંક છે. આ અગાઉ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મણિપુરની ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશના ધર્મનિરપેક્ષ, લોક્તાત્રિક સમાજે એવું મહેસૂસ કરવું જોઈએ કે સંઘ પરિવારના એજન્ડાએ મણિપુરને દંગા ઝોનમાં બદલી દીધું છે.

ઉલ્લેખનીય છે કે મણિપુરના કંગપોકપી જિલ્લામાં ૪ મેના રોજ ૨ આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી હતી. આ દરમિયાન આ મહિલાઓના પરિવારજનોની હત્યા કરવામાં આવી અને આરોપ છે કે તેમની સાથે રેપ પણ કરવામાં આવ્યો. બુધવારે આ ઘટનાનો ૨૬ સેકન્ડનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ આખા દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ મહિલાઓ સાથે એક ભારતીય સેનાના પૂર્વ જવાનની પત્ની છે, જેમણે આસામ રેજિમેન્ટમાં કોન્સ્ટેબલના રૂપમાં સેવાઓ આપી હતી અને કારગિલ યુદ્ધમાં પણ હિસ્સો લીધો હતો.

આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીઓ સહિત ૬ લોકોની ધરપકડ કરી છે. મણિપુર પોલીસે શનિવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી મુખ્ય ૫ આરોપીઓ અને એક કિશોર સહિત કુલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરમાં ગત ૩ મેના રોજ મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગને લઈને કુકી અને મેતેઈ સમુદાય વચ્ચે જાતીય હિંસા શરૂ થઈ હતી, જેમાં અત્યાર સુધી ૧૬૦ કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે