હિંસામાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા છે. તેમજ ૬ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ૬૫ હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.
મણિપુરમાં ફરી એકવાર સળગી ઉઠ્યું છે. 29 ઓગસ્ટે શરૂ થયેલી હિંસા હજુ પણ ચુરાચાંદપુર અને બિષ્ણુપુર જિલ્લાના સરહદી બફર ઝોનમાં ચાલુ છે. ત્રણ દિવસમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ખોઈરનટક, ચિંગપેઈ, ખોશુબંગ અને નારાયણસેનામાં મૈતેઈ અને કુકી હુમલાખોરો વચ્ચે ગુરુવારે મોર્ટાર હુમલા અને ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મણિપુરના પ્રખ્યાત કુકી ગાયક મંગબોઈ લુંગડીમનો પણ સમાવેશ થાય છે, જેમણે મે મહિનામાં હિંસા ફાટી નીકળ્યા બાદ ‘આઈ ગમ હિલૌ હેમ’ (શું આ આપણી ભૂમિ નથી) ગીત લખ્યું અને ગાયું હતું.
આ તરફ આદિવાસી સંગઠન ITLFએ ચુરાચાંદપુરમાં બંધનું એલાન આપ્યું છે. હિંસાગ્રસ્ત ચુરાચાંદપુર અને બિષ્ણુપુરમાં સેના તૈનાત કરવામાં આવી છે. હાલમાં સીઆરપીએફ અને આસામ રાઈફલ્સ અહીંના બફર ઝોનમાં તૈનાત હતા. સેનાનું કહેવું છે કે મહિલા સંગઠનો તેમને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આગળ વધવા દેતા નથી.
મણિપુરના બિષ્ણુપુર-ચુરાચાંદપુર બોર્ડર પર 29 ઓગસ્ટે બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ગ્રામ રક્ષા દળના બે સ્વયંસેવકોમા મોત થયા હતા. ત્યાં 7 લોકો ઘાયલ થયા છે. નારાનસિનામાં હુમલાખોરોએ ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં સ્વયંસેવકોએ પણ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
મૃતકોની ઓળખ લાઈબુજમ ઈનાઓ અને જાંગમીનલેન ગંગેટ તરીકે થઈ છે. લાઇબુજમને બિષ્ણુપુરના નારાનસિનામાં ગોળી વાગી હતી. તેમને ઈમ્ફાલની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. દરમિયાન ચુરાચાંદપુરના સોંગદો ગામમાં અથડામણ દરમિયાન જાંગમીનલેને ઈજા થઈ હતી.
મણિપુર પોલીસે 28 ઓગસ્ટના રોજ રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), પ્રતિબંધિત વિદ્રોહી જૂથની રાજકીય પાંખ, નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિમ ઇસાક-મુઇવા (NSCN-IM)ના એક-એક એક્ટિવ કેડર અને કાંગલેઈપાકના કમ્યુનિસ્ટ પાર્ટી (KCP)ના બે ઓવર-ગ્રાઉન્ડ કેડરની ધરપકડ કરી હતી.
ઈમ્ફાલ ઈસ્ટ અને બિષ્ણુપુરમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 હથિયાર, 5 દારૂગોળો અને 2 વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે 29 ઓગસ્ટના રોજ આ અંગે માહિતી આપી હતી. સુરક્ષા દળોએ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગોળીબારના અહેવાલ આપ્યા છે.
રાજ્યમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચેની હિંસામાં 160 થી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મણિપુરમાં 6 હજાર 523 એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાંથી 11 મામલા મહિલાઓ અને બાળકો વિરુદ્ધ હિંસા સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે 7 ઓગસ્ટે કહ્યું હતું કે 42 સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) મણિપુરમાં હિંસા સંબંધિત કેસોની તપાસ કરશે.
હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે. તેમજ 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. 65 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. આગચંપીના 5 હજારથી વધુ બનાવો બન્યા છે. 6 હજાર કેસ નોંધાયા છે અને 144 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં 36 હજાર સુરક્ષાકર્મીઓ અને 40 આઈપીએસ તૈનાત કરવામાં આવ્યા છે. પહાડી અને ઘાટી બંને જિલ્લાઓમાં કુલ 129 ચોકીઓ બનાવવામાં આવી છે.