વિપક્ષ મોદી સરકાર પર મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી હિંસાના વાતાવરણ વચ્ચે મૌન જાળવવાનો આરોપ લગાવી રહ્યો છે. આ ફરિયાદને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દૂર કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં મણિપુરનું નામ લીધું ન હતું, પરંતુ ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિ માટે સતત કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં સરકારે ઘણા જૂના વિવાદો ઉકેલ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ ઉત્તર-પૂર્વમાં શાંતિની વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ તરફથી અવાજ સંભળાયો હતો.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, ’મારી સરકારે નોર્થ-ઈસ્ટ માટે ફાળવણીમાં ૧૦ ગણો વધારો કર્યો છે. ઉત્તર-પૂર્વના દરેક ક્ષેત્રમાં વિકાસ કાર્યને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આસામમાં ૨૭ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સેમી કંડક્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું, ’મારી સરકાર ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિ માટે સતત કામ કરી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ઘણા જૂના વિવાદો ઉકેલાયા છે. ઉત્તર પૂર્વમાં અશાંત વિસ્તારમાં ઝડપથી વિકાસ કરીને તબક્કાવાર આફસ્પા હટાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. દેશના દરેક ક્ષેત્રમાં વિકાસના નવા આયામો સર્જાઈ રહ્યા છે.
૧૮મી લોક્સભાના પ્રથમ સત્રનો આજે ચોથો દિવસ છે. પ્રથમ બે દિવસે સોમવાર અને મંગળવારે પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહેતાબે સાંસદોને પદના શપથ લેવડાવ્યા હતા. બુધવારે, ત્રીજા દિવસે, લોક્સભાના સ્પીકરની પસંદગી કરવામાં આવી હતી અને ઓમ બિરલા બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા હતા. તેમના પ્રથમ નિવેદનમાં તેમણે ઈમરજન્સીની નિંદા કરી હતી જેનો કોંગ્રેસના સાંસદોએ વિરોધ કર્યો હતો. ત્યારપછી બિરલાએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી અને કહ્યું હતું કે હવે ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણના અડધા કલાક પછી ગૃહની કાર્યવાહી શરૂ થશે. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિએ સંસદમાં સરકારનો વ્યાપક રોડમેપ રજૂ કર્યો હતો.