અમદાવાદ, રાજ્યમાં છવાયેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે.ત્યારે આવામાં મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના સ્લમ ક્વાટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. સૌથી પહેલા એક નાનકડો ભાગ પડ્યો હતો. જો કે, લોકોએ તેના ઉપર ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ આખી ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, મણિનગરના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા ૭૦ વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને ૨૫૬ મકાનોમાં કુલ ૧૫૦૦ જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુક્સાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ બાળકો સહિત કુલ ૩૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોને પાછળના ભાગે બારીનો ભાગ તોડી ઘરોમાંથી બહાર રેસ્ક્યૂ કર્યા હતા. નાનાં બાળકો અને વૃદ્ધો સહિત કુલ ૩૦ જેટલા લોકોને સીડી વડે ફાયરબ્રિગેડ ટીમ અને પોલીસની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.