
રાચી, માનહાનિ કેસોને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લાંબા સમય બાદ રાહત મળી છે. ઝારખંડ હાઇકોર્ટમાં આજે આજે થયેલ સુનાવણીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા માટે હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો છે.
હાઇકોર્ટ હવે ૧૬ ઓગસ્ટના રોજ આ મામલે સુનાવણી કરશે. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૯માં કર્ણાટકમાં એક જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરનેમ મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. રાહુલ ગાંધીના મોદી ચોર વાળા નિવેદનબાદ તેમના વિરુદ્ધ દેશમાં જુદા જુદા સ્થળોએ માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર દ્વિવેદીની કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે અરજદાર પ્રદીપ મોદીને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ રાહુલ ગાંધીને રાહત આપતા કોર્ટે આગામી સુનાવણી સુધી કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
રાહુલ ગાંધીને પોતાના નિવેદનને કારણે સુરત સેશન્સ કોર્ટ તરફથી ૨ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેને લીધે જનપ્રતિનિધિ કાયદા હેઠળ રાહુલ ગાંધીની સંસદનુ સભ્યપદ પણ રદ્દ થઈ ગયું છે. રાંચીમાં ભાજપ નેતા પ્રદીપ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી એમપી-એમએલએ કોર્ટમાં ચાલી રહી હતી. એમપી-એમએલએ કોર્ટે રાહુલ ગાંધીને વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર થવા નિર્દેશ કર્યો હતો. કોર્ટના આ નિર્ણયને રાહુલ ગાંધીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે આજે ઝારખંડ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.